દેશમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણની વચ્ચે હેરાન કરનાર સમાચાર સામે આવ્યા છે. કોરોના પર નજર રાખતા નિષ્ણાંતોનું કહેવું છે કે, આવનારા થોડાંક દિવસમાં કોરોના પીક પર હશે. કોરોના વાયરસને લઇ નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલે જયાં આવતા ચાર સપ્તાહને ખૂબજ અગત્યના ગણાવ્યા છે. ત્યાં આઇઆઇટી કાનપુરની ટીમે ગાણિતિક મોડલના આધાર પર કહયું છે કે, દેશમાં કોરોનાની લહેર 20 થી રપ એપ્રિલની વચ્ચે પીક પર રહેશે.
આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મનિદ્ર અગ્રવાલના મતે કોરોનાની બીજી લહેર પહેલાં કરતાં પણ વધુ ખતરનાક દેખાઇ રહી છે. 15 એપ્રિલ એટલે કે, ગઇકાલે કોરોનાના કેસ બે લાખે પહોંચી ગયા છે. હજુ પણ સંકટ ઓછું થયું નથી. અમારી ટીમે જે ગાણિતિક મોડલથી કોરોના પર નજર રાખી છે. તેના મતે 20 થી રપ એપ્રિલની વચ્ચે આ આંકડો બે લાખ સુધી પહોંચવો જોઇતો હતો. જો કે, સ્થિતિ ઘણી બદલાઇ ચૂકી છે. પીક વેલ્યુ બદલાય રહી છે. અમને આશા છે કે, 20 થી રપ એપ્રિલની વચ્ચે કોરોના પીક પર હશે. ત્યારબાદ થોડીક રાહત મળવા લાગશે.
અગ્રવાલે કહ્યું કે, રપ એપ્રિલ બાદ કોરોનાથી બાહત મળવાની શરૂ થઇ જશે અને એક્ટિવ કેસ ઓછા થવા લાગશે. તેમણે કહ્યું કે મેના અંત સુધીમાં સ્થિતિ શ્રેષ્ઠ થવા લાગશે. પ્રોફેસર અગ્રવાલે કહયું કે, તમામ રાજયોમાં એક સામાન્ય સ્થિતિ જ દેખાશે. જયાં કોરોનાના કેસ સૌથી વધુ છે ત્યાં પણ મેના અંત સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે. હાલની લહેર પાછલી લહેર કરતાં અલગ છે. દરરોજ નોંધાતા મોત આ વખત સંક્રમણના દરની સરખામણીમાં ઓછા છે. વેકિસન આવ્યા બાદ લોકોએ બેદરકારી રાખી તેના લીધે કોરોનાના આંકડામાં વધારો થશે.