મોરબીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે અને રોજના 400થી વધુ કેસ નોંધાતા હોવાની ચર્ચા છે. પરંતુ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા ખોટા હોવાની લોકોમાં ચર્ચા છે. મોરબીની સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગે છે. જાણવા મળતી વિગતો મુજબ ટેસ્ટ કીટનો પણ અભાવ હોવાથી દર્દીઓએ ટેસ્ટ કરાવ્યા વિના જ પરત ફરવું પડે છે. વહીવટી તંત્ર દ્વારા રોજ 20-25 કેસ જાહેર કરવામાં આવે છે પરંતુ દર્દીઓની લાઈનો જોતા રોજના 400 થી 500 કેસ પોઝીટીવ આવતા હોવાનું ચર્ચાય રહ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી ગયા છે.
આ અંગે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથારીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરતા તેમને કોરોના ટેસ્ટીંગ માટે વધુ કીટ ફાળવવાની તેમજ ટેસ્ટ વધારવાની ખાતરી આપી હતી. તેમજ મોરબીમાં રોજના 500 ટેસ્ટ થતાં હતા તે હવે વધારીને 2000 કરવામાં આવ્યા છે.