દુનિયાના કેટલાક દેશોમાં કોરોના રસીકરણ મુદ્દે ઉદાસીનતા જોવા મળી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના વડા ડો. ટેડ્રોસ અધનોમ ઘેબ્રિયસસે વિશ્વના દેશોને કુલ વસ્તીના ઓછામાં ઓછા 10 ટકા લોકોનું સપ્ટેમ્બર સુધીમાં રસીકરણ કરવા અપીલ કરી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે આપણે તમામ જગ્યાએ કોરોના મહામારીનો અંત નહીં લાવીએ તો ક્યાંય પણ તેનો અંત આવશે નહીં.
વિશ્વમાં રસીકરણ મુદ્દે બે જુદા-જુદા રાહ જોવા મળી રહ્યા છે. ડબલ્યુએચઓના વડાના મતે કેટલાક દેશો રસીકરણમાં ખૂબ જ આગળ છે જ્યારે કેટલાક દેશોમાં આરોગ્યકર્મીઓ, વૃદ્ધો અને સ્વાસ્થ્યનું જોખમ ધરાવતા લોકોને પણ આપવા રસીનો પર્યાપ્ત જથ્થો નથી. જો કેટલાક દેશો તેમના નાગરિકોને રસી નથી આપતા તો તેઓ સમગ્ર દુનિયા માટે ખતરો બની રહે છે. ગ્લોબલ ઈન્ડિયા ફોરમમાં બોલતા તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બર સુધીમાં વિશ્વના દરેક દેશે પોતાની વસ્તીના 10 ટકા લોકોનું ફરજિયાત રસીકરણ કરવું જોઈએ અને ચાલુ વર્ષના અંત સુધીમાં 40 ટકા તેમજ આગામી વર્ષના મધ્ય ભાગ સુધીમાં 70 ટકા રસીકરણ કરવું જોઈએ.
રસીકરણમાં સમાનતા એ યોગ્ય વિકલ્પ છે એટલું જ નહીં પરંતુ કોરોના મહામારીને નાથવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. એકતાથી જ વૈશ્વિક અર્થતંત્રને ફરી બેઠું કરી શકાશે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી 18.2 કરોડ લોકો પ્રભાવિત થયા છે અને 40 લાખ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ 3 કરોડ કેસ નોંધાયા છે અને ચાર લાખથી વધુના મોત થયા છે.