Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયકોરોના કાબુમાં, મોંઘવારી બેકાબુ

કોરોના કાબુમાં, મોંઘવારી બેકાબુ

કોરોનાના નવા કેસ ઘટીને 60,471 : બીજી તરફ હોલસેલ અને રિટેઇલ ફુગાવો સર્વોચ્ચ સપાટીએ

- Advertisement -

છેલ્લાં સવા વર્ષથી દેશવાસીઓની માઠી દશા બેઠી હોય તેમ એક મુશ્કેલી ટળી ત્યાં બીજી આવીને ઉભી રહે છે. માર્ચ-એપ્રિલ-મે માં હાહાકાર મચાવનાર કોરોના હવે કાબુમાં આવવા લાગ્યો છે. ત્યાં મોંઘવારીએ માઝા મૂકી છે. એક તરફ કોરોનાની બીજી લહેર પૂર્ણ થવા તરફ જઇ રહી છે. ત્યાં મોંઘવારી લોકોની કમ્મર તોડવા લાગી છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગની હાલત અત્યંત દયનિય બની ગઇ છે. ગઇકાલે કોરોનાના 60 હજાર નવા કેસ નોંધાયા છે. જયારે ફુગાવાના આંકડાએ નવો રેકોર્ડ સજર્યો છે. દેશમાં મે માસમાં જથ્થાબંધ ભાવાંક ઓલટાઇમ હાઇ પહોંચી ગયો છે. ત્યારે રિટેઇલ ફુગાવો છ માસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.

- Advertisement -

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમે-ધીમે નબળી પડી રહી છે, ત્યારે સંક્રમણના દર અને રોજ આવતાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોનાના એક્ટિવ કેસ પણ સતત ઘટી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 60,471 નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે દેશમાં અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા 29570881 પર પહોંચી ગઇ છે.

અત્યાર સુધી સામે આવેલા કુલ કેસમાંથી 28280472 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા છે. દેશમાં હાલ 913378 એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંદર્ભે 17.51 લાખથી વધુ ટેસ્ટ થયા છે અને તેમાંથી 60471 લોકો પોઝિટિવ આવ્યા છે. એટલે કે સંક્રમણનો દર હવે ઘટીને 3.45 ટકા રહ્યો છે. દેશમાં હવે રિકવરી રેટ 95.63 ટકા સુધી પહોંચી ગયો છે. જો કે, કોરોનાની લીધે થતાં મોત હજુ પણ ચિંતાનો વિષય છે. સંક્રમણ ઘટવાની સાથે નવા કેસ ભલે ઘટી રહ્યાં છે, પરંતુ મોતના આંકડામાં તેટલો ઘટાડો થયો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને લીધે 2726 લોકોનાં મોત નિપજ્યાં છે. અત્યાર સુધી દેશમાં 3.77 લાખથી વધુ લોકો આ વાયરસમાં જીવ ગુમાવી ચૂક્યાં છે. બીજી બાજુ, એક વખત ફરી વેક્સિનેશન અભિયાને ગતિ પકડી છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 39.27 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં કુલ 25.90 કરોડ લોકોને વેક્સિન મળી ચૂકી છે. જેમાંથી 21.01 કરોડને પ્રથમ ડોઝ અને 4.89 કરોડને બન્ને ડોઝ અપાઇ ચૂક્યાં છે.

મે મહિનામાં મોંઘવારીએ માઝા મૂકી છે. મે મહિનામાં રિટેલ અને જથ્થાબંધ બંને ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. મે મહિનામાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાના કારણે કાન્ઝુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો વધીને 6.3 ટકા થઇ ગયો છે. બીજી તરફ મે મહિનામાં જથ્થાબંધ ભાવાંક(હોલસેલ પ્રાઇસ બેઝ્ડ) આધારિત ફુગાવો વધીને 12.4 ટકા થઇ ગયો છે. જે અત્યાર સુધીને ઓલટાઇમ હાઇ સપાટી છે. સરકાર દ્વારા જારી કરવામાં આંકડાઓ અનુસાર એપ્રિલ, 2021માં રિટેલ ફુગાવો 4.23 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિટલ્ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર મે મહિનામાં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 5.01 ટકા રહ્યો છે. જેમાં ગયા મહિનાની સરખામણીમાં 1.96 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે એપ્રિલ, 2021માં જથ્થાબંધ ફુગાવો 10.49 ટકા હતો. જ્યારે એપ્રિલ, 2020માં જથ્થાબંધ ફુગાવો માઇનસ 3.37 ટકા હતો. સળંગ પાંચમાં મહિને જથ્થાબંધ ભાવમાં વધારો જોવા મળ્યો છે. જથ્થાબંધ ફુગાવાની ઉંચી સપાટી અંગે વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે મે, 2021માં જથ્થાબંધ ફગાવો વધવાનું કારણે લો બેઇઝ ઇફેક્ટ છે. આ ઉપરાંત ક્રૂડ પેટ્રોલિયમ અને મિનરલ ઓઇલ સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે પણ જથ્થાબંધ ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે.

મે મહિનામાં રિટેલ ફુગાવો 6 ટકાથી વધારે રહેતા આરબીઆઇ વ્યાજ દરમાં ઘટાડો કરે તેની શક્યતા ખૂબ જ ઓછી છે. આ મહિનાની શરૂઆતમાં પણ આરબીઆઇએ વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. ઉલ્લેખનિય છે કે આરબીઆઇએ નાણાકીય વર્ષ 2021-22માં સીપીઆઇ આધારિત રિટેલ ફુગાવો 5.1 ટકા રહેવાનો અદાજ મૂક્યો છે. આરબીઆઇના અંદાજ મુજબ 2021-22ના પ્રથમ કવાર્ટરમાં રિટેલ ફુગાવો 5.2 ટકા, બીજા કવાર્ટરમાં 5.4 ટકા, ત્રીજા કવાર્ટરમાં 4.7 ટકા અને ચોથા કવાર્ટરમાં 5.3 ટકા રહેશે. ઉલ્લેખનિય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારને રિટેલ ફુગાવો 4 ટકા રાખવા જણાવ્યું છે. જો કે તેમાં બે ટકાની વધઘટનું માર્જિન રાખવામાં આવ્યું છે. આરબીઆઇ વ્યાજ દર નક્કી કરતી વખતે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular