જામનગર- ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. લાખો કોરોના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.હજારો દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ પણ થતા હોય છે.આ પૈકી ઘણાં બધા દર્દીઓ મેડિકલેઇમ અથવા જીવનવિમો ધરાવતાં હોય છે.પરંતુ વિવિધ ખર્ચ અંગેના વિમા કંપનીઓના અને હોસ્પિટલોના નિયમોમાં ગૂંચવણો હોવાથી મોટાંભાગના વિમા પોલીસીધારકોને વાસ્તવિક સારવાર ખર્ચ કરતાં ખૂબ ઓછી રકમો વિમા કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. જેના કારણે સંખ્યાબંધ કેસોમાં વિવાદો જોવા મળે છે.
દાખલા તરીકે કોઇ એક દર્દીને કોરોના સારવાર દરમ્યાન હોસ્પિટલ તરફથી રૂપિયા સવાલાખનું બિલ આપવામાં આવ્યું હોય તે દર્દી વિમા કંપનીમાં દાવો નોંધાવે ત્યારે તે દર્દીને વિમા કંપની દ્વારા 56,000 રૂા.ની ચૂકવણી સારવાર પેટે કરવામાં આવી હોય તેવા પણ કિસ્સાઓ જાહેર થયા છે. સામાન્ય રીતે દર્દીઓને તથા દર્દીઓના પરિવારજનોને વાસ્તવિક સારવાર ખર્ચની 45થી 80 ટકા જેટલી રકમ જ વિમાકંપનીઓ દ્વારા વળતર પેટે ચૂકવવામાં આવે છે. જેના કારણે પોલીસી ધારકોમાં રોષ અને નારાજગી જોવા મળે છે.
પીપીઇ કીટ જેવી ચીજો તથા દવાઓના બીલો વગેરેના ચૂકવણા સંદર્ભે દર્દીઓ તેમજ વિમા કંપનીઓ વચ્ચે દેશભરમાં અનેક વિવાદ જોવા મળી રહ્યા છે. વળી મોટાંભાગની વિમાકંપનીઓમાં કલેઇમ ચૂકવવાના નીતિનિયમો પણ અલગ અલગ જોવા મળતા હોય છે.