જામનગર જિલ્લામાં કોવિડ-૧૯ની ત્રીજી લહેરને અટકાવવાના આગોતરા પગલાંરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં પુનઃ ધનવંતરી રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં આરોગ્યની ૧૪ ટીમો ધનવંતરી રથો સાથે સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કલાક દરમિયાન એમ દરરોજ બે ગ્રામ વિસ્તારોમાં ઓ.પી.ડી માટે કાર્યરત થઇ ચૂકી છે. આ દરમિયાન જામનગર જિલ્લાના દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને આરોગ્યની ટીમ દ્વારા તપાસવામાં આવશે. ગ્રામજનો ધન્વંતરી આરોગ્ય રથનો અને તેની આરોગ્ય વિષયક સેવાઓનો લાભ લઇ શકે તે માટે ગામમાં આશા તથા અન્ય સ્ટાફ દ્વારા ગ્રામજનોને અગાઉથી જ જાણ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત આવતીકાલથી ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટિંગની સુવિધાઓને વધુ વ્યાપક સ્તરે વિકસાવવા, લોકોને સરળતાથી કોવિડ ટેસ્ટ તેમજ તપાસણી થઈ શકે તે માટે ધ્રોલ નગરપાલિકા, જામજોધપુર નગરપાલિકા, કાલાવડ નગરપાલિકા, જોડીયા ગામ, લાલપુર ગામ અને સિક્કા નગરપાલિકા વિસ્તારમાં લોકોની વધુ અવરજવરવાળા વિસ્તારોમાં કોવિડ ટેસ્ટિંગ ડોમનો પ્રારંભ પણ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોને નજીકના સ્થળે જ ટેસ્ટિંગની વ્યવસ્થા આપવામાં આવશે. આ ટેસ્ટીંગ બુથો પર લોકો નિ:શુલ્ક એન્ટીજન અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવી શકશે અને કોરોના અટકાયત માટે તંત્રને સહાયરૂપ બની શકશે.