જામનગર શહેરમાં રાજ્યની સાથે સાથે કોરોના વકરતો જાય છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં ડેન્ટલ હોસ્ટેલમાં કોરોના વધુ વકરતો જાય છે. છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 3 વિદ્યાર્થીઓ સહીત કુલ 8 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે કોરોનાના બે પોઝિટિવ કેસો નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં નવા કોરોના વેરીએન્ટનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. અને જો કે, આ વેરીએન્ટમાં પોઝિટિવ દર્દીને મહદઅંશે હોમ આઇસોલેશન કરવામાં આવે છે. પરંતુ દેશભરમાં નવા કોરોના વેરીએન્ટમાં આજ દિવસ સુધીમાં સાત વ્યકિતઓના મોત નિપજયા છે. અને પ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ ગયા છે. તેમાં પણ ખાસ કરીને જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઇકાલે પૂરા થયેલા 24 કલાક દરમ્યાન સાત પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમાં ડેન્ટલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પોઝિટવ થયા હતા. ત્યારબાદ આજે સાંજે પૂરા થતાં 24 કલાકમાં આઠ પોઝિટિવ કેસ નોંધાતા જામનગર શહેરમાં કુલ કોવિડ કેસની સંખ્યા 54 થઇ ગઇ હતી અને આજે પાંચ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
જામનગરમાં કોરોના વકરતા છેલ્લા 24 કલાક દરમ્યાન ડેન્ટલ હોસ્ટેલમાં 18 વર્ષનો, 21 વર્ષનો વિદ્યાર્થી અને 21 વર્ષની વિદ્યાર્થિનીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ગુરૂ ગોવિંદસિંઘના હોસ્પિટલના પી જી હોસ્ટેલમાં રહેતા 29 વર્ષના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત ઓશવાળ કોલોનીમાં 20 વર્ષના યુવક, વાલકેશ્ર્વરીમાં 19 વર્ષનો યુવક અને પ્રતાપનગરમાં 48 વર્ષની મહિલાના કોરોના પરીક્ષણ પોઝિટિવ આવતા હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.
જામનગરની સાથે દ્વારકામાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. સલાયાના 18 વર્ષ તેમજ 25 વર્ષના બે યુવાનોને કોરોના પોઝિટિવના રિપોર્ટ હોવાથી આ બંને યુવાનોને હાલ હોમ આઈસોલેશનમાં રખાયા છે. તેઓની તબિયત હાલ સ્વસ્થ હોવાનું કહેવાય છે.
સલાયાના શફી ઢોળા વિસ્તાર તેમજ બરાડી ગેઈટ ખાતે રહેતા બંને યુવાનો અંગે આરોગ્ય વિભાગ દ્વારા તેમની ટ્રાવેલ હિસ્ટ્રી મેળવવા તેમજ તેમની સારવાર અંગેની તજવીજ કરવામાં આવી હતી.
ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આજરોજ કોરોનાના શંકાસ્પદ એવા 10 જેટલા સેમ્પલ આવ્યા હતા. જે તમામ નેગેટીવ હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરી અહીં બેડ, વેન્ટિલેટર તેમજ ઓક્સિજન અને નિષ્ણાંત તબીબોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


