ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણના લીધે મહાનગરોમાં ઘણી સેવાઓ બંધ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, સુરત અને વડોદરા બાદ હવે રાજકોટમાં પણ આવતીકાલથી બાગ-બગીચાઓ અને પ્રાણી સંગ્રહાલયો બંધ રાખવામાં આવશે. કોરોનાના વધી રહેલા સંક્રમણના કારણે રાજકોટ મહાનગર પાલિકા દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના લીધે આવતીકાલથી તમામ બાગ-બગીચાઓ અને પ્રાણી સંગ્રહાલયો બંધ કરવાનો નિર્ણય રાજકોટ મહાનગર પાલિકા દ્રારા લેવામાં આવ્યો છે. તંત્ર દ્રારા આગામી નોટીફીકેશન બહાર ન પાડવામાં આવે ત્યાં સુધી આ સેવાઓ બંધ રહેશે. રાજકોટમાં કોરોનાનો ગુજરાતનો પ્રથમ કેસ આવ્યો એને આજે 365 દિવસ થયા છે. રાજકોટમાં એક વર્ષમાં કોરોના કેસ પોઝિટિવ કેસની સંખ્યા 17 હજારને પાર કરી ગઇ છે. સામે સાજા થયેલાની સંખ્યા પણ 16 હજારથી વધુની છે. અત્યારસુધીમાં છ લાખથી વધુ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બાગ બગીચાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે તમામ 8 મહાનગરોમાં શાળાઓ પણ 10 અપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના ૯૮ કેસ નોંધાયા હતા.