હાલ કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમણનો ભોગ બન્યા છે, સતત કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે જામનગર ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમની જી.જી.હોસ્પિટલમાં જામનગર જિલ્લાના દર્દીઓ સિવાય હાલ મોરબી, રાજકોટ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ આવી રહ્યા છે. વળી દર્દીઓના પરિવારજનો હોસ્પિટલની આસપાસના અને હેલ્પ ડેસ્કના વિસ્તારમાં સતત રહેતા હોય છે જેના કારણે આ સંક્રમિત વિસ્તારમાંથી તેમને પણ સંક્રમણ લાગવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. આ અંગે અન્ય જિલ્લાના દર્દીઓના પરિજનો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ તંત્ર દ્વારા પરિવારજનોને અનુરોધ કરવામાં આવે છે કે, કંટ્રોલરૂમ દ્વારા સતત દર્દીના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવે છે. કન્ટ્રોલ રૂમના નંબર દ્વારા પરિવારજન પણ પોતાના પરિજનની માહિતી ફોન પર મેળવી શકે છે. આ માટે દસથી બાર લોકોની વિશેષ ટીમ સતત કાર્યરત છે ત્યારે લોકો કંટ્રોલ રૂમની સુવિધાઓનો લાભ લે અને હોસ્પિટલની આસપાસના વિસ્તારથી દૂર રહી પોતાને સંક્રમણથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં સહયોગ આપે. આ ઉપરાંત દર્દીના પરિવારજનો પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ફોન નં.૦૨૮૮-૨૫૫૩૧૫૨, ૦૨૮૮-૨૫૫૩૧૫૩, ૦૨૮૮-૨૫૫૩૧૬૭, ૦૨૮૮-૨૫૫૩૧૬૮ પર સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ રહેલ પોતાના પરિવારજનના સ્વાસ્થ્ય વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશે પરિવારજનને કોઇ પણ પ્રશ્ન હશે તેના માટે સંતોષકારક ઉત્તર કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવશે, લોકો હોસ્પિટલ જવાનું ટાળે. આ મહામારી ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે ત્યારે લોકો ઘરે રહી આ કંટ્રોલ રૂમની સેવાઓનો લાભ લઇ પોતાના પરિવારજનોનો સંપર્ક કરે અને પોતે તેમજ પરિવારના અન્ય સભ્યોને પણ સંક્રમણથી સુરક્ષિત રાખવામાં સહયોગ આપે તેમ ગ્રામવિકાસ એજન્સી નિયામક રાજેન્દ્ર રાયજાદા દ્વારા અપીલ કરવામાં આવી છે.