મુંબઇમાં કોરોનાનો ગત 15 દિવસથી દરદીઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાનું દેખાય છે. આમ કોરોનાનાં દરદીમાં ઉછાળો આવતા રાજ્ય સરકાર સહિત મુંબઇ મહાનગરપાલિકા ચિંતામાં પડી ગઇ છે. મુંબઇના આજે કોરોનાના નવા 739 કેસ નોંધાયા છે. એક પણ દરદીનું મોત થયું નથી.છેલ્લા કેટલાય દિવસોથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસોમાં રોજેરોજ ઉછાળો નોંધાઈ રહ્યો હોવાથી સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
પાલિકાના આરોગ્ય વિભાગે આપેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં કોરોનાના 295 દરદી કોરોનાથી મુક્ત થયા છે. આથી રિકવરનું પ્રમાણ વધીને 98 ટકા થયું છે. જ્યારે શહેરમાં અત્યારે કોરોનાના સક્રીય 2970 કેસ છે.
જ્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 1081 દરદી નોંધાયા છે. અને એકપણ દરદીનું મોત નથી. જ્યારે કોરોનાના 524 દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને રાજ્યમાં અત્યારે કોરોનાના સક્રીય 4031 કેસ હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
અગાઉ , મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિએન્ટના સાત કેસો મળ્યા હોવાનું બહાર આવ્યું હતું. જુન માસથી કોરોનાની નવી લહેર ચાલુ થઈ શકે છે તેવી પણ આગાહીઓ અગાઉ થઈ ચુકી છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને સરકારી તંત્રમાં દોડધામ વધી છે. હવે બધું ખુલી ચૂક્યું છે અને જનજીવન રાબેતા મુજબ થઈ ચૂક્યું છે ત્યારે જો લોકો તકેદારી નહીં રાખે તો વધુ નિયંત્રણોની નોબત આવી શકે છે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.