ભારતમાં કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં વૃધ્ધિથી ઉભી થયેલી ચિંતા હળવી થઇ હોય તેમ આજે નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે છેલ્લા ચોવિસ કલાકમાં ભારતમાં 2568 નવા કેસ નોંધાયા હતા. અને 20 લોકોના મોત નીપજ્યા હતા. આ સાથે દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 19137 થઇ છે. કોરોનાનો સાપ્તાહિક પોઝીટીવ રેટ 0.7 ટકા થયો છે. દેશમાં ગઇકલે 3000થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાંક દિવસોથી દરરોજ કેસ 3000થી અધિક જ આવતા હતા તેમાં નોંધપાત્ર ઘટાડો થતા રાહત થઇ છે. દરમ્યાન ભારતમાં કોરોનાના ઓમિક્રોન સબ વેરિઅન્ટ એકસઇના પ્રથમ કેસની પુષ્ટિ થઇ છે. વાસ્તવમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અગાઉ આ વેરિએન્ટના બે પ્રમાણિક કેસ નોંધાયા હતા. પરંતુ તે જીનોમ સિકવન્સીગમાં પ્રમાણિક થયા ન હતા. જો કે, પુષ્ટિ થયેલા કેસનું સેમ્પલ કયાંથી લેવામાં આવ્યું હતું તે જાહેર કરવામાં આવ્યું નથી. નવા વેરિએન્ટની પુષ્ટિ થઇ હોવા છતાં ભારતમાં ગભરાવવાની કોઇ જરૂર ન હોવાનું તજજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું છે.
હાશ… કોરોનાના કેસ થોડા ઘટયા
કોરોનાના સબ વેરિએન્ટ XEના પ્રથમ કેસની પુષ્ટિ


