Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી શિક્ષણ વર્ગ યોજાયા

જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી શિક્ષણ વર્ગ યોજાયા

એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં તા. 3 થી 8 દરમિયાન યુવક-યુવતિઓને માર્ગદર્શન અપાયુ

- Advertisement -

ગુજરાત રાજ્ય સહકારી સંઘની સહકારી શિક્ષણ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે જામનગર મુકામે એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં તા. 3થી 8 દરમિયાન યુવકો અને યુવતિઓને બે સહકારી શિક્ષણ વર્ગ યોજાયા હતાં.

- Advertisement -

આ વર્ગનો પૂર્ણાહુતિ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સહકારી સંઘની મહિલા સહકાર સમિતિના ડિરેકટર તેમજ જામનગર મહિલા સહકારી બેંકના ચેરપર્સન શેતલબેન શેઠના પ્રમુખસ્થાને યોજાયો હતો. તેમણે પોતાના પ્રવચનમાં જણાવેલ કે, વિદ્યાર્થી વય વેડફવા માટે નથી, પ્રયત્ન, પરિશ્રમ અને પ્રાર્થના જ સફળતા પ્રાપ્તિના શ્રેષ્ઠ સોપાન છે. વિદ્યાર્થીઓનું મનએ શક્તિઓનો ભંડાર છે. જ્યારે એ સુષુપ્ત શક્તિઓ જાગે છે ત્યારે એ અદ્ભૂત કરી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાની આ સુષુપ્ત શક્તિનો સદુપયોગ સહકારી પ્રવૃત્તિ અપનાવીને રાષ્ટ્રીય નવનિર્માણ માટે કરવાનો છે. કોલેજ લેવલે આવી સહકારી શિક્ષણની તાલિમ મેળવી શિક્ષણ પુરું કર્યા બાદ સહકારી પ્રવૃત્તિમાં જોડાઇ શકે છે અને સહકારી પ્રવૃત્તિમાં પોતાની યુવા નેતાગીરી પુરી પાડી શકે છે.

આ વર્ગ દરમિયાન જામનગર જિલ્લાના જિલ્લા રજીસ્ટ્રાર ટી.સી. તીરથાણીએ હાજરી આપી પોતાના પ્રવચનમાં જણાવેલ કે, દેશની અર્થ વ્યવસ્થામાં સહકારી સંગઠન એક મહત્વના આર્થિક સંગઠન તરીકે સર્વ સ્વીકાર્ય બન્યું છે. સહકારી સંગઠનની વિશેષતાા એ છે કે, માત્ર આર્થિક ક્ષેત્રે જ નહીં પણ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. ત્યારથી ભારતે દેશના સર્વાંગી વિકાસ માટે આર્થિક આયોજનનો રાહ અપનાવીને પંચવર્ષિય યોજનાઓનો અમલ શરુ કર્યો છે. તેમાં પણ સામાજિક ન્યાયની સ્થાપના સાથે વિકાસનું ધ્યેય સિધ્ધ કરવા સહકારી પ્રવૃત્તિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સહકારી પ્રવૃત્તિએ ભારતમાં શોષણ વિહિન સમાજની રચનામાં મહત્વનો ફાળો આપેલ છે. આજની યુવા પેઢી આ સહકારી પ્રવૃત્તિનું જ્ઞાન મેળવી આ સહકારી પ્રવૃત્તિમાં પોતાનું યોગદાન આપી શકે તેમ છે. વધુમાં તેમણે સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

- Advertisement -

કોલેજ વર્ગના પૂર્ણાહુતિ પ્રસંગે ઉપસ્થિત કોલેજના પ્રિન્સિપાલ મીનાબેન જાવીયાએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે, સહકાર એટલે જ સર્વેએ હળીમળીને કાર્યરત રહેવું, સર્વોતમ હકારાત્મક કાર્યક્રમોનો અમલ એટલે જ સહકાર વિજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો હરીફાઇને ત્યજનારી અને તમામ પ્રકારના મધ્યસ્થીઓને દૂર કરવાની પ્રવૃત્તિ એટલે સહકારી પ્રવૃત્તિ, સહુ માટે પ્રત્યેક અને પ્રત્યેક માટે સહુ એ સહકારી પ્રવૃત્તિનો સુવર્ણ મુદ્રાલેખ છે. વિશ્ર્વના દેશોમાં સહકારી પ્રવૃત્તિના ઉદ્ભવ અને વિકાસનો ઇતિહાસ પણ દર્શાવે છે કે, સમાજમાં હકારાત્મક કાર્યક્રમો કરતા રહેનારી, સહુનુ શોષણ નહીં પણ કલ્યાણ કરનારી સહકારી પ્રવૃત્તિના ઉદ્ભાવ માટેની પહેલ કરવામાં પણ યુવાનોએ જ અગ્રેસર ભૂમિકા ભજવી હતી. પહેલ કરવી એટલે જ શરુઆત કરવી. વિદ્યાર્થીઓમાં યુવાનોમાં પહેલવૃત્તિ પ્રબળ હોય છે. જે સહકારી પ્રવૃત્તિ ધારે તેવો ઓપ આપી શકે તેમ છે. આ પ્રસંગે કોલેજના પ્રોફેસર ડો. જી.ડી. ચૌધરીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે, કોઇપણ દેશે પોતાનો ઝડપી વિકાસ સાધવો હોય તો તે દેશના યુવા ધનનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. યુવકોની યોગ્ય કેળવણી, દોરવણી, સંસ્કાર અને ઘડતર ઉપર દેશની પ્રગતિનો આધાર છે. આજના યુવકોમાં આર્થિક અસમાનતા દૂર કરવાની અને શોષણ નાબુદીની ઉત્સુકતા હોવી જોઇએ. આવો પ્રતિકાર કરવા યુવકોને તૈયાર કરવા જોઇએ અને તે માટે સહકારી પ્રવૃત્તિ ખૂબ જ મહત્વની પુરવાર થઇ છે. સહકારી પ્રવૃત્તિ દ્વારા યુવાનો સારુ જીવન ધોરણ, સારો વ્યવહાર, નોકરી અને સારી ઉત્પાદન પધ્ધતિ મળે છે. યુવાનો દ્વારા સહકારી પ્રવૃત્તિમાં નવી ચેતના અને ગતિશીલતા આવે તે માટે સહકારી પ્રવૃત્તિમાં યુવાનોની સામેલગીરી જરુરી છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત જામનગર જિલ્લા સહકારી સંઘના માનદ્મંત્રી તેમજ સ્વામી વિવેકાનંદ સોસાયટીના ડિરેકટર અને જામનગર જિલ્લા ક્રેડિટ સોસાયટી ફેડરેશનના ચેરમેન વશરામભાઇ ચોવટીયાએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે, સહકારી સંસ્થાઓમાં યુવાનોને સહભાગી બનાવવા જિલ્લા સહકારી સંઘ દ્વારા કોલેજોમાં આવા 6 દિવસના તાલિમ વર્ગો યોજવાનું આયોજન કરીએ છીએ. જેના દ્વારા કોલેજના અભ્યાસની સાથે સાથે યુવકો-યુવતિઓને સહકારી પ્રવૃત્તિનું જ્ઞાન મળે જેના દ્વારા તેઓ સહકારના મૂલ્ય, સિધ્ધાંતો અને રોજગારી મેળવવામાં સહકારી પ્રવૃત્તિ કેટલી ઉપયોગી છે તેની જાણકાળી મળી શકે. વધુમાં તેઓએ જણાવેલ કે, કોલેજોમાં વિદ્યાર્થીઓ માટેના ગ્રાહક સહકારી ભંડાર શરુ કરવા જોઇએ જેમાં વિદ્યાર્થીઓને જરુરી સ્ટેશનરી સાથે સાથે સહકારી પ્રવૃત્તિનું સંચાલન કેવી રીતે થાય છે. તેનો ખ્યાલ આવે અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય. આ કાર્યક્રમની શરુઆતમાં સ્વાગત પ્રવચન કરતા જામનગર જિલ્લા સહકારી સંઘના એક્ઝિકયુટીવ ઓફિસર પ્રજ્ઞેશભાઇ નાકરાણીએ જણાવેલ કે, આજની યુવા પેઢી આપણા દેશનું ભવિષ્ય છે. આ યુવા પેઢીને કોલેજના શિક્ષણની સાથે સાથે યોગ્ય દિશા અને લક્ષ્ય મળે તે ખૂબ જરુરી છે. વધુમાં તેઓએ જણાવેલ કે, સહકારી પ્રવૃત્તિ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાનો સામાજિક અને આથિર્ર્ક વિકાસ સાધી શકે છે. વધુમાં વધુ મહિલાઓ સહકારી ક્ષેત્રે જોડાય અને તેના સંચાલનમાં પોતાનું યોગદાન આપે તે ખૂબ જરુરી છે. તેઓએ મૂડીવાદ, સમાજવાદ અને સામ્યવાદની સરખામણીમાં સહકારી પ્રવૃત્તિ સર્વશ્રેષ્ઠ છે. તેમ જણાવ્યું હતું. આ તાલિમવર્ગને સફળ બનાવવા કોલેજના પ્રોફેસર ડો. સુીનલભાઇ લોહીયા અને ડો. દિપેશભાઇ નથવાણીએ જહેમત ઉઠાવી હતી. આ છ દિવસના બન્ને વર્ગનું સંચાલન મહિલા સીઇઆઇ મંજૂલાબેન પ્રજાપતિ અને જામનગર જિલ્લા સહકારી સંઘના એક્ઝિયૂટીવ ઓફિસર પ્રજ્ઞેશભાઇ નાકરાણીએ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular