છત્તીસગઢની રાજધાની રાયપુરની જિલ્લા હોસ્પિટલમાં રાત્રે 8 વાગ્યા પછી 3 બાળકોના મૃત્યુ નીપજ્યા હતા. આ પછી, પરિવારે તબીબોની બેદરકારી હોવાનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તબિયત બગડતા બાળકોને ઓક્સિજન વિના બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, હોસ્પિટલમાં હાજર દર્દીના પરિવારે દાવો કર્યો છે કે 3 નહીં પરંતુ 7 બાળકોનાં મોત થયા છે. તેણે કહ્યું કે મારી પોતાની આંખોથી મેં જોયું છે કે એક પછી એક સાત બાળકોના મૃતદેહને લઈ જવામાં આવ્યા હતા.
એક બાળકના પિતા ઘનશ્યામ સિંહે આક્ષેપ કર્યો છે કે, બાળકની હાલત બગડતાં તબીબોએ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. બાળકની હાલત નાજુક હતી. તેને લઈ જવા માટે ઓક્સીજનની જરૂર હોવા છતાં આપવામાં આવ્યું ન હતું. તેઓ હોસ્પિટલ મેનેજમેન્ટના લોકો પાસેથી સિલિન્ડરોની માંગણી કરતા રહ્યા. આ દરમિયાન દાખલ થયેલા વધુ બે બાળકોનું મોત નીપજ્યું હતું અને બાદમાં હોસ્પિટલમાં હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. બાદમાં રાત્રે 11 વાગ્યા સુધીમાં પરિવારના સભ્યો ત્રણેય બાળકોના મૃતદેહ સાથે પરત ફર્યા હતા.આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું કે બાળકોના મોત સામન્ય હતા.
બેમેતરાથી આવેલા એક પરિવારના સભ્યએ જણાવ્યું કે સાંજે ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં હતાં. જે પછી હંગામો થયો હતો, પરંતુ મંગળવારે દિવસ દરમિયાન દર બે કલાકે બાળકોના મૃતદેહ લઇ જવામાં આવી રહ્યા હતા અને તેઓએ અહીંથી કુલ 7 બાળકોના મૃતદેહોને લઈ જતા જોયા હતા. તેમના બંને બાળકોને સારવાર માટે છેલ્લા 3 દિવસથી અહીં રાખવામાં આવ્યા છે, પરંતુ તેમની હાલત અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.