જામનગર શહેર અને જિલ્લામાં વીજચોરી ડામવા માટે પીજીવીસીએલ દ્વારા સતત ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ કામગીરીના કારણે વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આજે જામનગર શહેરના ભીમવાસ, નવાગામ, ટીટોડીવાડી, ખોજાનાકા સહિતના વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 38 ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં થતી વીજચોરી ડામવા માટે પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ જુદી જુદી ટીમો દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન આજે સવારથી શહેરના નવાગામઘેડ, ભીમવાસ, ટીટોડીવાડી, ખોજાનાકા સહિતના વિસ્તારોમાં 38 ટુકડીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા વીજચેકિંગ કામગીરી હાથ ધરાતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તેમજ ગઈકાલે પીજીવીસીએલની 55 ટૂકડીઓ દ્વારા કાલાવડ તાલુકાના ખરેડી, ખંઢેરા, મેડી, જગા, નવાગામ, મોટી વાવડી, નિકાવા, બેડિયા તથા જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકલ પોલીસ 20, 11 એસઆરપી અને 3 વીડિયોગ્રાફરો સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ કામગીરી દરમિયાન પીજીવીસીએલની ટીમો દ્વારા 557 જોડાણો તપાસવામાં આવ્યાં હતાં. તે પૈકીના 80 મા ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.27.15 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.
દરમિયાન પીજીવીસીએલની ટીમો દ્વારા સોમવારે 421 જોડાણોમાંથી 85 મા ગેરરીતિ ઝડપાતા 24.13 લાખના બીલો તથા મંગળવારે 55 ટીમો દ્વારા જોડિયા અને ખંભાળિયા પંથકમાંથી 739 જોડાણો તપાસતા 117 માં ગેરરીતિ ઝડપાતા 40.05 લાખના બીલો ફટકાર્યા હતાં તેમજ બુધવારે કલ્યાણપુર અને જામનગર તાલુકામાં 61 ટીમો દ્વારા 583 જોડાણો તપાસતા 117માં ગેરરીતિ મળી આવતા 56.30 લાખના બીલો તથા ગુરૂવારે જામનગર શહેર અને તાલુકામા 62 ટીમો દ્વારા ચેકિંગ 640 જોડાણોમાંથી 118 મા ગેરરીતિ ઝડપાતા 45.98 લાખના બીલો ફટકાર્યા હતાં અને શુક્રવારે જામનગર અને કાલાવડ તાલુકામાંથી 557 જોડાણોમાંથી 80 માં ગેરરીતિ ઝડપાતા રૂા.27.15 લાખના બીલ ફટકાર્યા હતાં. કુલ 193.61 લાખના બીલો ફટકાર્યા છે.