સરકાર બે વર્ષ જૂની વૈકલ્પિક વ્યકિતગત આવકવેરા વ્યવસ્થામાં કરમુક્ત સ્લેબ વધારીને લાખ રૂપિયા કરવાની શક્યતાઓ ચકાસી રહી છે. એક સરકારી અધિકારીએ આની માહિતી આપી હતી. અત્યારે કરદાતાઓની વાર્ષિક કરપાત્ર આવક 2.50 લાખ રૂપિયા હોય તો તેને કોઇ કર નથી ચૂકવવો પડતો.
અધિકારીએ કહ્યું કે કરમુક્ત સ્લેબ વધારવાથી કરદાતાઓ પર કરબોજ ઓછો થઇ જશે અને તેમની પાસે ખર્ચ કરવા અથવા રોકાણ કરવા માટે વધારે નાણાં બચશે. અત્યારે બહુ ઓછા કરદાતાઓએ વૈકલ્પિક કરવ્યવસ્થાનો વિકલ્પ પસંદ કર્યો છે. કરદાતાઓ કલમ 80સી, 80 ડી જેવી કર છૂટનો લાભ લે તો જૂની વ્યકિતગત આવકવેરા પ્રકારની છૂટનો લાભ નથી મળતો. આ પગલું એટલે લેવાઇ રહ્યું છે કેમકે નવી કર વ્યવસ્થા બહુ ઓછા લોકોએ અપનાવી છે.
સૂત્રોએ કહ્યું કે, આગામી બજેટની તૈયારીઓમાં આ મુદ્દાને લેવામાં આવ્યો છે અને સંબંધિત વિભાગોને સુધારાના સૂચનો આપવા કહેવાયું છે. અધિકારીએ કહ્યું, ‘બજેટ બનાવવાની કવાયત હેઠળ કર સંબંધી એજન્ડા આવતા અઠવાડિયાથી શરૂ થશે. જેમાં અમે આ પ્રકારના ફેરફારની શક્યતા પર ધ્યાન આપીશું.’ જો કે તેમણે કહ્યું. ‘આ પ્રકારના કોઇ પણ પ્રસ્તાવ પર વિચાર કરતી વખતે એ જરૂર જોવામાં આવશે કે આ ફેરફારથી સરકારને મળતા કુલ રાજસ્વ પર કેટલી અસર થશે અને અમારી પાસે આવું કરવાની શકયતા છે કે નહીં.’ તેમણે કહ્યું કે, નવી વ્યવસ્થા હેઠળ કરમુકત સ્લેબમાં વધારાથી રાજસ્વ પર થનારી અસરનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે અને તેને બજેટ બનાવનારાઓ પાસે વિચારણા માટે મોકલી શકાય છે. તેમણે કહ્યું કે એ વાત પર પણ ચર્ચા થઇ શકે છે કે વ્યકિતગત આવકવેરાની જૂની અને નવી બન્ને વ્યવસ્થાઓમાં તો ફેરફારની જરૂરત નથી ને.
કરના ઓછા દરવાળી વૈકલ્પિક વ્યકિતગત આવકવેરા સ્લેબની નવી વ્યવસ્થા 2020-21ના કેન્દ્રીય બજેટમાં એક વિકલ્પ તરીકે રજૂ કરાઇ હતી. જો કે અંદાજથી જાણવા મળ્યું કે, જૂની વ્યવસ્થાની સરખામણીમાં વધારે કર ચૂકવવો પડતો હોવાથી ફકત 10 થી 12 ટકા કરદાતાઓએ જ નવી કર વ્યવસ્થા અપનાવી છે. કર નિષ્ણાંતોનું માનવું છે કે, જો નવી અને જૂની વ્યવસ્થામાં કર ચૂકવણું સરખું થશે તો મોટાભાગના કરદાતાઓ નવી કર વ્યવસ્થા પસંદ કરી શકે છે કેમકે તેનાથી કર અનુપાલનનો બોજ ઘટશે. ટેક્ષમેનમાં ડેપ્યુટી જનરલ મેનેજર નવીન વાધવાએ કહ્યું, ‘આવકવેરાની નવી વ્યવસ્થા એનઆરઆઇ માટે વધારે ફાયદાકારક છે કેમકે તેઓ વધારે છૂટનો દાવો નથી કરતા. જો કોઇ પગારદાર નવી વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરે તો તેને કપાતનો કોઇ લાભ નથી મળતો.’
જો કે વાધવાએ કહ્યું કે જો પગારદાર કરદાતાની કરપાત્ર આવક 8.50 લાખથી વધારે હોય અને તે ફકત 80સી હેઠળ કપાતનો લાભ લેવા ઇચ્છે તો નવી વ્યવસ્થા તેના માટે આકર્ષક છે પણ હોમ લોન પર વ્યાજના રૂપમાં છૂટનો લાભ લેવો હોય તો જૂની વ્યવસ્થા વધારે સારી દેખાય છે.