આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીની યુથ વિંગ દ્વારા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસ 17મી સપ્ટેમ્બરને ’રાષ્ટ્રીય બેરોજગારી દિવસ’ તરીકે ઉજવશે. કોંગ્રેસના કહેવા પ્રમાણે દેશમાં વધી રહેલી બેરોજગારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસ બપોરે 12 કલાકે યુથ કોંગ્રેસ કાર્યાલયની બહાર જ ’રાષ્ટ્રીય બેરોજગારી દિવસ’ ઉજવીને પ્રદર્શન કરશે. યુથ કોંગ્રેસ તરફથી રાહુલ રાવે અંગેની જાણકારી આપી હતી. ભારતીય યુથ કોંગ્રેસે પહેલેથી જણાવ્યું હતું કે, ’રાષ્ટ્રીય બેરોજગારી દિવસ’ અંતર્ગત સંગઠન દ્વારા દેશભરમાં અનેક પ્રકારના કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.