બંગાળનો ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. 27 માર્ચે પ્રથમ તબકકાના મતદાન પહેલાં પ્રચારમાં નેતાઓનો વાણી વિલાસ બેફામ બન્યો છે. બન્ને મુખ્યપક્ષો ટીએમસી અને ભાજપાના નેતાઓ પોતાના પ્રચારમાં શબ્દોની મર્યાદાઓ ચૂકી રહ્યાં છે. એકબીજા પર ગંભીર આક્ષેપો અને અણછાજતાં શબ્દોનો પ્રયોગ કરી રહયા હોય બંગાળના ચૂંટણી વાતાવરણમાં એકદમ ગરમાવો આવી ગયો છે.
પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ તેના વિવાદાસ્પદ નિવેદનોને લઈ જાણીતા છે. હવે વધુ એક વખત મમતા બેનરજીના મુદ્દે દિલીપ ઘોષની જીભ લપસી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીના મુદ્દે વિવાદીત નિવેદન કરીને ઘોષ ફસાયા છે. તાજેતરમાં જ એક જાહેસભામાં દિલીપ ઘોષે મમતા બેનરજીને નંદીગ્રામમાં થયેલી ઈજાને લઈને કટાક્ષ કરતા કહ્યું કે તેમણે સાડીને બદલે બરમૂડો પહેરવો જોઈએ. આમ કરવાથી તેમના પગ વધુ સારી રીતે દેખાશે.
તૃણમૂલ કોંગ્રેસે પોતાના ટિવટ્ર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડયોમાં દિલીપ ઘોષ ભાષણ આપતા જોવા મળે છે. દિલીપ ઘોષ કહી રહ્યા છે, પ્લાસ્ટર કપાઈ ગયું. ત્યારપછી પટ્ટી લગાવવામાં આવી છે. પગ ઉપાડીને બધાને બતાવી રહ્યા છે. સાડી પહેરી છે. એક પગ ખુલ્લો છે અને બીજો ઢાંકેલો છે. આવી રીતે સાડી પહેરીને અગાઉ કોઈને નથી જોયા. જો પગ બહાર જ રાખવો હોય તો સાડી શા માટે પહેરો છો બરમૂડો પહેરી શકો છો. જેથી પગ સરસ દેખાશે.
ટીએમસીએ વળતો પ્રહાર કરતા દિલીપ ઘોષ પર નિશાન સાધ્યું હતું. ટીએમસીએ જણાવ્યું કે, એક મુખ્યમંત્રી માટે આ પ્રકારનું નિવેદન નિંદનીય છે. બંગાળ ભાજપના અધ્યક્ષ મહિલાઓનું સમ્માન નથી કરી રહ્યા. બંગાળની માતા-બહેનો મમતા બેનરજીના આ અપમાનનો યોગ્ય જવાબ આપશે. ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાએ ટવીટ કરીને કહ્યું કે, પશ્ચિમ બંગાળના અધ્યક્ષે જાહેર સભામાં પૂછયું કે શા માટે મમતા દીદીએ સાડી પહેરી છે, પોતાના પગ વધુ સારી રીતે દેખાડવા બરમૂડો પહેરવો જોઈએ અને આ વાંદરાઓને લાગે છે કે તેઓ બંગાળ જીતી રહ્યા છે?