કેન્દ્રની ઈડી દ્વારા છેલ્લાં ત્રણ દિવસથી કોંગ્રેસના રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. એજન્સી દ્વારા કરાતી પૂછપરછનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે અને સરકારી એજન્સી કેન્દ્ર સરકારના ઈશારે કામ કરતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં જામનગર શહેર અને જિલ્લાના ધારાસભ્ય તથા આગેવાનો અને કોર્પોરેટરો દ્વારા આજે જામનગર શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં કોંગી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછનો કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે જામનગર શહેરમાં આજે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા અંબર ચોકડી પાસે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરાયા હતાં. આ વિરોધ પ્રદર્શન કરી રહેલા ધારાસભ્ય પ્રવિણ મુસડિયા, ચિરાગ કાલરિયા તથા કોંગે્રસના જીવણભાઈ કુંભારવડિયા, રંજનબેન ગજેરા, દિગુભા જાડેજા, ભીખુભાઇ વારોતરિયા, નયનાબા જાડેજા સહિતના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.