જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતો પૈકી જોડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખપદને લઇને વિચિત્ર સ્થિતિ નિર્માણ પામી છે. તાલુકા પંચાયતમાં ભાજપ પાસે તોતિંગ બહુમતિ હોવા છતાં પ્રમુખપદ માટેનો કોઇ ઉમેદવાર ન હોવાને કારણે પ્રમુખપદે કોંગ્રેસના ઉમેદવારને બેસાડવાની ફરજ પડી છે. આજે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના નાથાલાલ છગનભાઇ સાવરિયાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જયારે ઉપપ્રમુખ તરીકે ભાજપના ઘનશ્યામભાઇ રાઠોડ ચૂંટાઇ આવ્યા છે. જો કે પ્રમુખપદની ચૂંટણી બાદ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરાએ કહ્યું કે, ‘ડોન્ટવરી સૌ સારાવાના થઇ રહેશે’.
જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે બહુમતિ ન હોવા છતાં દૂધઇની બેઠક પરથી ચૂંટાયેલા નાથાલાલ છગનભાઇ સાવરિયાની પ્રમુખપદે વરણી કરવામાં આવી હતી. જયારે ભાજપના ઘનશ્યામભાઇ રાઠોડ ઉપપ્રમુખ બન્યા હતા. કારોબારી ચેરમેન તરીકે વલ્લભ હિરજી ગોઠી, સત્તાપક્ષના નેતા તરીકે કિશોરસિંહ જાડેજા તથા દંડક તરીકે નરોત્તમ નારણભાઇ સોનગરા ચૂંટાઇ આવ્યા હતા. વાસ્તવમાં જોડિયા તાલુકા પંચાયતનું પ્રમુખપદ એસસી ઉમેદવાર માટે અનામત હોય આ કેટેગરીમાં ભાજપના કુલ 13 ઉમેદવારો ચૂંટાયા હોવા છતાં એકપણ ઉમેદવાર નહીં ચૂંટાતા નિયમ મુજબ આ કેટેગરીમાં ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખપદે બેસાડવાની ફરજ પડી હતી. આમ જોડિયા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે તોતિંગ બહુમતિ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસના બન્યા છે.
જોડિયા તાલુકા પંચાયતમાં નિર્માણ પામેલી સત્તાની સ્થિતિ અંગે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે અનામત કેટેગરીનો કોઇ ઉમેદવાર ન હોય કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જો કે, તેમણે એમ પણ ઉમેર્યું કે, આ અંગે ભાજપે ચિંતા કરવાનું કોઇ કારણ નથી. ઘી ના ઠામમાં ઘી પડી રહેશે. તાલુકા પંચાયતમાં બહુમતિ ધરાવનાર ભાજપ જ ખૂબજ વ્યવસ્થિત રીતે તાલુકા પંચાયતનો વહિવટ ચલાવશે. જો કે, તેમનો ઇશારો કોંગ્રેસના પ્રમુખ તરફ હતો. નજીકના ભવિષ્યમાં જોડિયામાં કોઇ રાજકીય સોગઠાબાજી ગોઠવાઇ જાય તો નવાઇ નહીં.