ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે જવાબદારી સંભાળ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કમલમની જેમ ગુજરાતભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવાનો નિર્ણય લીધો છે. હાઈકમાન્ડે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હીમાં છે. દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને એઆઇસીસીના ખજાનચી પવન બંસલની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસની નવી ’શક્તિ’ એટલે કે નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી જેવા નેતાઓ હાજર રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. કોંગ્રેસના તાકાતવર નેતાઓ ભાજપમાં જોડાઈ જવાથી આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજ્યમાં પરાજય પાછળ આમ આદમી પાર્ટી પર આંગળીયો ચિંધવામાં આવે છે પરંતુ કોંગ્રેસના સ્થાનિક અને સિનિયર નેતાઓ વચ્ચે વધી રહેલી ટાંટિયાખેંચને કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હોવાનું પણ જુના કાર્યકરો જણાવી રહ્યાં છે.