દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે આવ્યા હતા. પત્રકાર પરિષદ સંબોધી ત્યારબાદ તેઓએ રોડ શો કર્યો હતો. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય બનાવવા માટે સરથાણા વિસ્તારથી ગજેરા સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો તેમજ શહેરના અન્ય વિસ્તારના આપ સમર્થક યુવાનો જોડાયા હતાં. મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઝૂમતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમદાવાદ અને રાજકોટ બાદ મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ શો સુરત શહેરમાં નીકળ્યો હતો કાર્યકર્તાઓમાં એટલો ઉત્સાહ હતો કે મનીષ સિસોદિયા રોડ પર સવાર હતા તે ગાડી પરથી નીચે ઉતરીને યુવાનો સાથે ગરબે ઘૂમવાનું શરૂ કરી દીધું હતું મનીષ સિસોદિયા પણ ગુજરાતના રંગમાં રંગાયા હોય તે રીતે તમામ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા હોય તેમ ગરબા રમવાનું શરૂ કરી દીધું હતું. મનીષ સિસોદિયાને ગરબા રમતા જોતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં વધુમાં ઉત્સાહ દેખાયો હતો.
મનીષ સિસોદિયા પણ કાર્યકર્તાઓ સાથે ખુબ જ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા હતા સુરતમાં તેમના રોડ શોને મળેલી સફળતાને કારણે તેમના ચહેરા ઉપર ખુશી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. સાથે જ પાસના ઉમેદવારો પણ આ રોડ શોમાં જોડાયા હતા. તેઓ પણ રોડ શોમાં એકત્રિત થયેલા યુવાઓને જોઈને આનંદમાં આવી ગયા હતા. મનીષ સિસોદિયાએ રોડ શો દરમિયાન સતત લોકોને દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી જે કામ થઈ રહ્યા છે. તે અંગે અવગત કર્યા હતાં.
મનીષ સિસોદિયાએ રોડ શોમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી દિલ્હીમા કોઈ પણ ખાનગી શાળાએ પોતાની ફીમાં વધારો કર્યો નથી ત્યારે ગુજરાતની ખાનગી સ્કૂલોમાં દર વર્ષે મસમોટો ફી વધારો કરતાં સ્કૂલના સંચાલકોને રાજ્ય સરકાર કેમ રોકી શકતી નથી તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. શું સરકાર નથી જતી મધ્યમ વર્ગના બાળકોને ઓછા ખર્ચે સારૂં શિક્ષણ મળે?