મોંઘવારી-બેરોજગારી-શિક્ષણ-કોરોના મૃત્યુ સહાય સહિતના મુદ્દે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા માટે રેલી યોજવામાં આવી હતી. પ્લેકાર્ડ સાથે યોજાયેલી આ રેલીમાં ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયા પણ જોડાયા હતાં.
જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયાની આગેવાની હેઠળ લિમડાલાઇન સ્થિતિ કોંગ્રેસ ભવનથી ડીકેવી સર્કલ સુધી સરકારની નિષ્ફળતા અંગે વિરોધ રેલી યોજવામાં આવી હતી. કોરોનાકાળમાં પીસાઇ રહેલી પ્રજા ઉપર મોંઘવારીનો માર તેમજ ફાટ-ફાટ થઇ રહેલી બેરોજગારીને કોંગ્રેસે સરકાર માટે શરમજનક ગણાવ્યા હતાં. આ ઉપરાંત રાજ્ય સરકાર પર શિક્ષણના વ્યાપારીકરણનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં જિલ્લા પ્રમુખ અને બંને ધારાસભ્યો સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જામ્યુકોના વિપક્ષના નેતા અલ્તાફ ખફી, મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજા, સારાહ મકવાણા, કોર્પોરેટર જેનબ ખફી, યુસુફ ખફી, નુરમામદ પલેજા વગેરે જોડાયા હતાં.