મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહેલી જણાય છે. તાજેતરમાં એક તરફ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તો બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારની ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે બેઠક યોજાઈ હતી. આ ઘટના બાદ શિવસેનાએ 5 વર્ષ સુધી ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી રહેશે તેવું નિવેદન આપ્યું હતું. બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કોંગ્રેસ હવે સ્થાનિક ચૂંટણીથી લઈને લોકસભા સુધીની તમામ ચૂંટણી એકલા લડશે તેમ જણાવ્યું હતું.
મહાવિકાસ અઘાડીમાં સામેલ થયા બાદ એનસીપી અને શિવસેના આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી સાથે મળીને લડવાની વાત કરતા હતા પરંતુ કોંગ્રેસ પોતાના આ બંને સહયોગી દળોથી સહમત નથી જણાઈ રહી. પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ સ્પષ્ટ કહી દીધું છે કે, આગામી ચૂંટણી કોંગ્રેસ એકલા લડશે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કે, ‘હું રાજ્યનો કોંગ્રેસ ચીફ છું. માટે મારી પાર્ટીના વિચાર પણ હું જ રાખીશ. કોઈ બીજી પાર્ટીનો કોઈ નેતા કોંગ્રેસના વિચાર નહીં રાખે. કોંગ્રેસી કાર્યકરો ઈચ્છે છે કે મુખ્યમંત્રી તેમની પાર્ટીનો જ બનવો જોઈએ. કાર્યકરોના મનની વાત સૌના સામે રાખવી મારી જવાબદારી છે.’