આગામી 1લી જૂલાઈથી મહેસુલી સહિતના દસ્તાવેજોમાં ફ્રેન્કીંગ સુવિધા બંધ કરવાના તથા ગત 1લી એપ્રિલથી નવી બેલેન્સ આપવાનુ બંધ કરાયા બાદ હવે સરકારે છુટછાટ આપી છે અને વધુ બે વર્ષ ફ્રેન્કીંગની શરતી છુટ્ટ આપવામાં આવી છે. 15મી એપ્રિલથી રૂા.10000થી વધુની મુલ્યના ફ્રેન્કીંગની છુટ્ટ નહીં રહે. રાજયના સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ તથા નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જે અંતર્ગત 1લી એપ્રિલથી ફ્રેન્કીંગમાં પ્રિ-પેઈડ બેલેન્સ આપવાનુ તથા 1લી જુલાઈથી ફ્રેન્કીંગ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ વિવિધ બેંક એસોસિએશનોની રજુઆત તથા લોકોની સુવિધા માટે સરકારે 31/3/2025 સુધી ફ્રેન્કીંગ સુવિધા ચાલુ રાખવાનું નકકી કર્યુ છે. હાલના પરવાનેદારોને પ્રિપેઈડ બેલેન્સ પણ લોડ કરી દેવામાં આવશે. ફ્રેન્કીંગ સુવિધા ચાલુ રાખવાની સાથોસાથ તેના વ્યવહારમાં મર્યાદા મુકવામાં આવી છે. જે અંતર્ગત રૂા.10,000ની મર્યાદામાં જ ફ્રેન્કીંગ થઈ શકશે. તા.15મી એપ્રિલથી રૂા.10,000 થી વધુના કોઈપણ ડોકયુમેન્ટ માન્ય રાખવામાં નહીં આવે. ફ્રેન્કીંગ સુવિધા બંધ કરવાના નિર્ણયથી મુખ્યત્વે બેંકો તથા તેના ગ્રાહકોને ભારે તકલીફમાં મુકાવાનો વખત આવ્યો હતો. બેંક લોકર સહિતની કેવાયસી કામગીરીમાં સોગંદનામા કરાવવામાં સરળતા રહે તે માટે બેંકોમાં જ આ સુવિધા અપાતી હતી જે બંધ થવાના સંજોગોમાં ગ્રાહકોને ભટકવાનો અને સમય બગડવાનો વખત આવ્યો હતો.