ખંભાળિયા નગરપાલિકાની એજન્ડા નંબર 8 મુજબની જનરલ બોર્ડ ગઈકાલે સોમવારે સાંજે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
ભાજપ સાશીત ખંભાળિયા નગરપાલિકાના કુલ 28 સદસ્યો પૈકી 24 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં બે સભ્યોનો રજા રીપોર્ટ આવ્યો હતો અને બે સભ્યો ગેરહાજર ગયા હતા. આ સામાન્ય સભાના એજન્ડામાં દર્શાવવામાં આવેલા તમામ 46 મુદ્દાઓ ઉપરાંત પ્રમુખસ્થાનેથી રજૂ કરવામાં આવેલા એક મુદ્દા સહિત કુલ 47 ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
ખંભાળિયા શહેરની પાદરમાં આવેલો અને પોરબંદર તરફથી શહેરમાં પ્રવેશવા માટેના માર્ગમાં આવેલા આશરે 120 વર્ષ જૂના કેનેડી પુલને નવેસરથી બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવા ઉપરાંત શહેર માટે મહત્વના એવા બાંધકામની પરવાનગી માટેની સત્તા ખંભાળિયા એરિયા ડેવલપમેન્ટમાથી નગરપાલિકાને મળે તે માટે સરકારમાં દરખાસ્ત કરવા, શહેરમાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બને તે માટે જિલ્લા કલેકટર પાસેથી જમીન મેળવવા, 14મા તથા 15 મા નાણાપંચની વ્યવસાય વેરા અને અન્ય ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવા, ઘી ડેમ પરની તમામ પાણીની મેઈન ટાંકીઓ ફરતે દિવાલ બનાવવા, ચાર રસ્તાથી ખામનાથ સુધીના નવા બની રહેલા રોડના ડિવાઇડરમાં વિવિધ વૃક્ષો વાવવા, પાલિકાના ટાઉન હોલને અટલબિહારી વાજપાઇ નામ આપવા, પાલિકા બિલ્ડિંગોમાં સોલાર પેનલ ફીટ કરવાની દરખાસ્ત કરવા, નગરપાલિકા કચેરીના ઉપયોગ માટે નવી કાર વસાવવા, પાલિકાની લાઇબ્રેરી માટે નવા પુસ્તકો- મેગેઝીનો વસાવવા, ફૂલવાડી વોટર વર્કસમાં દિવાલ બનાવવા સહિતના ઠરાવોને મંજૂરી સાંપળી હતી.
આ ઉપરાંત ગત મિટિંગને બહાલી, પાલિકાના કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિ, રીપેરીંગ તથા ટીવી વિગેરેની ખરીદી, પાણીના ટેન્કર તથા નળ કનેકશનનો ચાર્જ નક્કી કરવા, ઉપરાંત કેટલાક આસામીઓને ભાડાપટ્ટાની જગ્યા દસ્તાવેજથી વેચાણ આપવાના ઠરાવ પણ મંજૂર રાખવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ખંભાળિયા નજીકના સુમરા તરઘરી ખાતે આવેલા વર્મિકમ્પોસ્ટ મટીરીયલ રિકવરી ફેસીલીટી પ્લાન્ટ ટી.પી. મોડમાં બનાવવા માટે યુ.એન.ડી.પી. સંસ્થાની આવેલી રજૂઆત બાબતનો ઠરાવ પ્રમુખસ્થાનેથી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર મીટીંગનું સંચાલન પાલિકાના કમિટી કલાર્ક રાજુભાઈ વ્યાસે કર્યું હતું. જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાઘવજીભાઈ પટેલ વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -