જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જીનિયરને પૂર્વ કોર્પોરેટર દ્વારા ખંડણીની માંગણી તથા ધમકી આપવા સહિતના મામલે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી આ અંગે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જીનિયર ભાવેશ જાની તેઓની ચેમ્બરમાં ફરજ બજાવી રહ્ય હતાં ત્યારે કોર્પોરેટરના પતિ અને પૂર્વ કોર્પોરેટર દ્વારા ખોટી ફાઈલમાં સહિ કરવા અંગે ધાક-ધમકી, અસભ્ય વર્તન તથા એટ્રોસિટીના કાયદાનો ખોટો ઉપયોગ કરીને ફસાવી દેવા તેમજ ખંડણી માંગવા સહિત ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આ અંગે સિટી એન્જીનિયર ભાવેશ જાની દ્વારા સિટી એ ડીવીઝનમાં પૂર્વ કોર્પોરેટર દિપુ પારીયા વિરૂધ્ધ એફઆઈઆર પણ કરવામાં આવી છે. વધુમાં જણાવાયું છે કે, આ કિસ્સ સિવાય પણ મહાનગરપાલિકાના ટેકનિકલ યુનિયનના કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હોય તે દરમિયાન ફિલ્ડ પર કે ઓફિસમાં યેનકેન પ્રકારે આવી ધમકીઓના ભોગ બનતા હોય છે. જેનાથી કર્મચારીઓ અને અધિકારીઓના આરોગ્ય તથા કૌટુંબિક જીવન ઉપર ખુબ જ વિપરીત અસર થતી હોય છે. જે ધ્યાને લઇ આ પ્રકારની ઘટના ન બને તે માટે સખ્ત પગલાં લેવા કમિશનર ડી.એન. મોદીના પત્રમાં જણાવાયું છે.
સિટી એન્જીનિયર ભાવેશ જાની સહિતના વિવિધ શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.