ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો પાસેથી કોઈ શખ્સો દ્વારા મકાન બનાવવા માટેની યોજના હોવાનું જણાવી, આ કામદારો પાસેથી રૂપિયા સો-સો લેવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. નગરપાલિકાના કેટલાક સદસ્યો તથા હોદ્દેદારોને આવી ફરિયાદ મળતા તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરનું પણ ધ્યાન દોર્યું હતું.
નગરપાલિકા વિસ્તારમાં કાયમી સફાઈ કામદારોને રાજ્ય સરકાર મકાન ફાળવવા અંગેની યોજના છે. ત્યારે રોજમદાર સફાઇ કામદારોને પણ આ અંગેના ફોર્મ આપીને રૂપિયા 100-100ની રોકડી કરવાનું કેટલાક વચેટિયા શકશો દ્વારા શરૂ કરી દેવામાં આવતા આ બાબતે આશ્ચર્ય વ્યાપી ગયું છે.
આટલું જ નહીં, કેટલાક સફાઈ કર્મીઓ અમે રહી ગયાની લાગણીથી અન્ય પાસેથી રૂપિયા 100 ના 200 દઈને પણ ફોર્મની ઝેરોક્ષ કે જે ખરેખર તો ગેરકાયદેસર છે, તે પણ લેવા માંડ્યા હતા. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ ફરિયાદ કરવામાં આવી છે.