જામનગર શહેરમાં રહેતી યુવતી સાથે રિલેશનશીપમાં રહેતા શખ્સે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ યુવતી દ્વારા શખ્સ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતી અને બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી યુવતી દિવ્યરાજસિંહ ગીરીરાજસિંહ ગોહિલ સાથે રીલેશનશીપમાં રહેતી હતી દરમિયાન લગ્ન કરવાના મામલે શખ્સે કોઇ વ્યકિતને લગ્ન બાબતે બતાવતા તેમણે એવું કહ્યું હતું કે, લગ્નના થોડા સમય પછી બન્નેમાંથી કોઇ એક વ્યકિતનું મૃત્યુ થઈ જશે. જેથી દિવ્યરાજસિંહે યુવતીને લગ્ન કરવાની ના પાડી હતી. પરંતુ યુવતી દ્વારા અવાર-નવાર લગ્ન કરવાની માગણી કરવામાં આવતી હતી. આ સમયગાળા દરમિયાન શખ્સે યુવતીને બોલાવી બહાર જવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીની કારમાં જ દિવ્યરાજસિંહએ દુષ્કર્મ આચર્યુ હતું. આ પ્રકરણમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી શખ્સની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.