જોડિયામાં રહેતાં અને ખેતીકામ કરતાં યુવાનએ પોતાનું જેસીબી ભાડે આપ્યું હોય, ભાડે લેનારે એક માસનું ભાડું ચૂકવ્યા બાદ ભાડું ચૂકવવાનું બંધ કરી દેતાં તેમજ જેસીબી પણ પરત ન આપી છેતરપિંડી આચર્યાની રાજકોટના શખ્સ વિરૂઘ્ધ પંચકોષી ‘એ’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામમાં ધર્મશાળાની બાજુમાં રહેતાં હરજીભાઇ મોમભાઇ બાંભવા નામના ખેડૂતએ પોતાનું રૂા. 15 હજારની કિંમતનું જીજ10 સીઇ 1350 નંબરનું જેસીબી નવેક મહિના પુર્વે રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને માસિક રૂા. 1,30,000ના ભાડાથી અગિયાર મહિનાના ભાડાકરાર સાથે આપ્યું હતું. જેમાં આરોપીએ ફરિયાદીને એક માસનું ભાડું ચૂકવી આપ્યું હતું. ત્યારબાદ ભાડું ચુકવવાનું બંધ કરી આઠ મહિનાનું ભાડું ચુકવ્યું ન હતું. તેમજ જેસીબી પણ પરત આપ્યું ન હતું. આથ આ અંગે હરજીભાઇ દ્વારા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વિરૂઘ્ધ પંચકોષી ‘એ’ ડિવિઝનમાં છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


