જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને રાજકારણી દ્વારા તેમની પેઢીના નામે કંડલા પોર્ટ અને કચ્છ ખાતે શીપીંગને લગતી સેવાઓ સંદર્ભે ગાંધીનગરની લીમીટેડ કંપનીએ આપેલાં રૂા.14,03,38,451ની રકમના ચેકનું પેમેન્ટ સ્ટોપ કરાવી દેતાં પરત ફર્યા હતાં. જેથી જામનગરના ઉદ્યોગપતિએ કંપની સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે.
આ કેસની વિગત મુજબ જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને રાજકારણી જીતુ હરીદાસ લાલ, અશોકકુમાર હરીદાસ લાલ, મિતેશ અશોકકુમાર લાલની ભાગીદારી ધરાવતી સિધ્ધી મરીન સર્વીસીસ એલ.એલ.પી. અને શ્રીજી શીપીંગ દ્વારા શીપીંગને લગતી કામગીરીઓ અને સેવાઓ કંડલા પોર્ટ અને કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં પુરી પાડે છે. ગાંધીનગર અને કચ્છની મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા.લી. કંપનીને જામનગરની શીપીંગ કંપનીએ સેવાઓ આપી હતી. જે સંદર્ભે લેણી નીકળતી રૂા.14,03,38,451ના જુદા-જુદા ચેકો આપ્યા હતાં. આ ચેકો બેંકમાં જમા કરાવતાં ચેક નં.00102 નંબરનો ચેક તા.19/10/2020ના રોજ ‘પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅર’ ના શેરા સાથે પરત ફર્યો હતો જેથી જામનગરની શીપીંગ કંપનીએ તેના એડવોકેટ દ્વારા તા.30/10/2020ના રોજ કાનુની નોટીસ ફટકારી હતી. તેમ છતાં આ રકમ ગાંધીનગરની પેઢી દ્વારા ન ચૂકવાતા આખરે ચીફ કોર્ટમાં રૂા.14.3 કરોડ વસુલ કરવા ફરીયાદ નોંધાવી છે.