જામનગરના ઓશવાળ સેન્ટર પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં પ્રૌઢનું ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. જામનગર નજીક ચંગા ગામમાં રહેતાં યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખી એક શખ્સે લોખંડનો પાઈપ મારી ઈજા પહોંચાડી હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા બંને બનાવમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે વિગત મુજબ, પ્રથમ જામનગરના ઓશવાળ સેન્ટર પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં અને ભંગારની ફેરીનો ધંધો કરતા રાજુ કરશન પરમારને ચાર શખ્સોએ માર માર્યા હોવાની ફરિયાદ નોંધાવાઇ છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.25 માર્ચના રોજ રાત્રિના ઝુંપડપટ્ટી પાસે ફરિયાદી રાજુભાઇને તેના ભાઈ જેન્તી કરશન પરમાર તથા કુટુંબી ભત્રીજા કાંતિ ગીગા પરમાર સાથે બોલવા ચાલવાનો વ્યવહાર ન હોવા છતાં ફરિયાદીનો દિકરો સુનિલ આ લોકો સાથે વાતચીત કરતો હોય. જેથી ફરિયાદી એ વાતચીતની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઇ જેમ ફાવે તેમ ગાળો બોલાવા લાગ્યા હતાં. આથી ફરિયાદીએ ગાળો કાઢવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને તથા તેના પુત્ર સુનિલને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ માથામાં લોખંડનો પાઈપ ફટકારી ઈજા પહોંચાડી હતી તેમજ જો ફરિયાદ કરીશ તો જીવતો રહેવા નહીં દઉ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર નજીક ચંગા ગામમાં રહેતાં કેવલ ભરતસિંહ કેર તથા પરેશ ઉર્ફે પરિયો ચંદુભા પીંગળને અગાઉ કોઇ બાબતે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી પરેશ ઉર્ફે પરીયો એ તા.25 ના રોજ ચંગા ગામ પાસે ફરિયાદી કેવલને માથામાં પાઈપ ઝીંકી દઇ ઈજા પહોંચાડી નાશી છૂટયો હતો. આ અંગે ફરિયાદી કેવલ દ્વારા પંચ બી માં ચંગા ગામના પરેશ ઉર્ફે પરીયો ચંદુભા પીંગળ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.