જામનગર શહેરના રામેશ્વરનગર ચમન ચોકમાં પાંચ દિવસ પૂર્વે થયેલા હુમલા અને હત્યાના પ્રયાસના બનાવમાં સામા પક્ષ દ્વારા વળતી હત્યાના પ્રયાસની અને રાયોટીંગની ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે બન્ને પક્ષની સામ-સામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામગનર શહેરના પુનિતનગર વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા મયુરસિંહ જાડેજા નામના યુવાને પાંચ દિવસ પૂર્વે શુક્રવારે રાત્રિના સમયે બળદેવસિંહ ઉર્ફે લાલો જાડેજા, હરપાલસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઉર્ફે પિન્ટુ ઝાલા, આદિત્ય બારોટ અને છત્રપાલસિંહ જાડેજા સહિતના શખ્સોએ મયુરસિંહ ઉપર રબરની પટ્ટી અને લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ યોગરાજસિંહને અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર માર્યો હતો તથા છરી વડે જીવલેણ ઘા કરી ગુપ્ત ભાગે અને સાથળના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ મયુરસિંહને સાથળના તથા ગુપ્ત ભાગે ઈજા પહોંચાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. સશસ્ત્ર કરાયેલા હુમલામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલાના આ બનાવમાં પાંચ દિવસ અગાઉ છત્રપાલસિંહ દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી ત્યારે શનિવારે મયુરસિંહ જાડેજા દ્વારા સામી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે બન્ને પક્ષની સામ સામી રાયોટીંગ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હુમલાખોરોની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.