દ્વારકામાં રહેતી 39 વર્ષની એક પરિણીતા ગત તારીખ 22 મીના રોજ પોતાના કામ સબબ તીનબતી ચોક વિસ્તારમાં આવેલી બેંકમાં ગઈ હતી, ત્યારે દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતો કિરણ એસ. માંગલીયા નામનો શખ્સ તેની પાસે આવ્યો હતો અને અગાઉની તકરારનું મન દુ:ખ રાખી, બેંકમાં મહિલા પાસે જઈને બિભત્સ ગાળો કાઢી, બોલા-ચાલી કરી હતી.
જેના અનુસંધાને બેંકના કર્મચારીઓ વિગેરે દ્વારા બંનેને છૂટા પાડવામાં આવ્યા હતા. બાદમાં આ મહિલા બેંકમાંથી બહાર નીકળી અને જતા હતા ત્યારે મોટરસાયકલ પર પાછળ જઈ અને કિરણ માંગલીયાએ તેનો પીછો કરી, માર્ગ આડે તેણીને અટકાવી હતા.
અહીં તેણે પોતાના સાથે સંબંધ રાખવાનું કહેતા તેણીએ સ્પષ્ટ ના ભણી દીધી હતી. આમ, મહિલાનો અવારનવાર પીછો કરી, છેડતી કરવા સબબ દ્વારકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી કિરણ એસ. માંગલીયા સામે આઈ.પી.સી. કલમ 354 (ડી- 1), 504 તથા 341 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણની આગળની તપાસ પી.એસ.આઈ. આર. એચ. સુવા ચલાવી રહ્યા છે.