બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા હાઈકોર્ટમાં ફરીયાદ કરાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
બેટ દ્વારકામાં હનુમાન દાંડી જવાના માર્ગે શંખ સરોવર પાસે કૃષ્ણ ભગવાનના જ એક રૂપ એવા કેશવરાયજીનું પૌરાણિક મંદિર મુખ્ય રસ્તાથી 50 મીટર અંદરની તરફ આવેલું છે. આ મંદિરથી ગૌચરની જમીન પર દબાણ થયું હોવાનું તેમજ બેટ દ્વારકા કોરીડોર વિકાસને નડતરરૂપ હોવાનું જણાવી તંત્ર દ્વારા કેશવરાયજી મંદિરને નોટીસ આપી દબાણ નહિં હટાવાય તો મંદિર સંચાલકોના જોખમે તંત્ર દબાણ હટાવવા કાર્યવાહી કરશે તેવી નોટીસ અપાતા ભારે ચર્ચા જાગી છે.
કેશવરાયજી મંદિર સમિતિના દિલીપભાઈ બોડાએ જણાવ્યું છે કે 100 વર્ષથી વધુ સમયથી મંદિર યથાવત છે તેમજ મુખ્ય રસ્તાથી દૂર આવેલું છે તથા મંદિરની જગ્યા માલિકીના તમામ કાગળો છે પણ ડી.એલ.આઈ.આર. અને સીટી સર્વે વચ્ચે સંકલનના હોય તથા જગ્યાના આધારો અપડેટ ના હોય તંત્રની ભૂલને કારણે ગૌચરનું દબાણ ગણી તોડવા નોટીસ અપાઈ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા કેશવરાયજી મંદિરને તોડી પાડવાની તંત્રની તજવીજ સામે સમગ્ર ભારતમાં રહેતા પુષ્કર્ણા બ્રહ્મ સમુદાયમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર, ધારાસભ્ય, પ્રાંત અધિકારી, ઓખા નગરપાલિકાના સત્તાવાળાઓને પણ પુષ્કર્ણા બ્રહ્મ સમુદાયના અગ્રણીઓએ રજૂઆત કરવામાં આવી છે તેમજ આ અંગે હાઈકોર્ટમાં પણ ફરીયાદ કરાઈ છે.