- Advertisement -
ખંભાળિયાના દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલા રજવાડાના સમયના સંતોષી માતાજીના મંદિર નજીકના પ્લોટના બોગસ દસ્તાવેજો તેમજ ઉતરોતર તૈયાર કરાવી અને સીટી સર્વે અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે સુનિયોજિત મિલાપીપણું રચી, અને કૌભાંડ આચરી, મંદિરના રસ્તા આડે આડસ ઊભી કરવા સબબ રાજકોટ રહેતા એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આરોપીઓને દબોચી લીધા છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે અહીંના દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલા સંતોષી માતાજીના મંદિર ખાતે સેવા પૂજાનું કામ કરતા હિરેનપુરી પ્રતાપપુરી ગોસ્વામી (ઉ.વ. 35) દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં રાજકોટના 5, કિસાનપરા વિસ્તારમાં રહેતા ખતીજા કાસમ ખફી, ખંભાળિયામાં પઠાણ પાડો વિસ્તારમાં રહેતા ગુલમામાદ સુલેમાન ખફી, તેના બે પુત્રો હનીફ ગુલમામદ અને અબ્બાસ ગુલમામદ તેમજ અહીંના ભરવાડ પાડો વિસ્તારમાં રહેતા અબ્બાસ ઉંમર ખીરા નામના કુલ પાંચ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી સિલસિલાબંધ વિગત એવી છે કે સંતોષી માતાજીના મંદિરમાં કેટલાક સમયથી ભક્તો, શ્રદ્ધાળુઓને આવવા-જવાનો રસ્તો બંધ કરી દેવાની તજવીજ કરવામાં આવી હતી. આ રસ્તાની જગ્યાનો દસ્તાવેજ તારીખ 23-03-2021 ના રોજ અહીંના સલાયા નાકા પાસે રહેતા હુસેન અબુ ભોકલના નામનો હોવાનું અને તેણે રૂપિયા 15 લાખ આપીને આરોપીઓ પાસેથી આ પ્લોટ ખરીદ કર્યો હોવાનું જાહેર થયું છે.
આ દસ્તાવેજમાં જોતા પાના નંબર 7 ઉપર ઉપરોક્ત પ્લોટની જમીન મહારાજા જામ સાહેબના લેખ નંબર 65 થી તારીખ 10-9-1920 થી દલવાડી ધનજી નાથા દ્વારા વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવામાં આવ્યો હતો. તેની પાસેથી તારીખ 20-04-1959 ના રોજ કાસમ મેરુ ખફી દ્વારા ખરીદી અને તેના વારસદારો પાસેથી હુસેન આબુ ભોકલે લીધો હતો. હાલ એનો કબજો હુસેન અબુ ભોકલ પાસે હોવાનું જાહેર થયું છે.
આ પ્રકરણ સંદર્ભે પ્લોટના જુના દસ્તાવેજો એકત્ર કરીને જોતા નવાનગર સ્ટેટના શ્રી રણજીતસિંહ દ્વારા વર્ષ 1976 ના વૈશાખ વદ 5 ના રોજ લેખ નંબર 65 માં ખંભાળિયા નગર દરવાજાની બહાર ખાતેદાર ભાટિયા દામોદર કલ્યાણજીના નામે 5-12 એકરનું ખેતર આવેલ છે. તે ખેતરના ઉમદા સેવાને લગતી જમીનમાંથી 15,000 ચોરસ ફુટ જગ્યા તારીખ 18-06-1919 ના રોજકામથી ખંભાળિયાના મામલતદારની રૂબરૂમાં રૂપિયા 939-14 આના તારીખ 31-10-1919 ના રોજ જમા કરાવતા મામલતદાર કેશવજી હિરજી મારફતે તારીખ 8 મે 1920 ના રોજ લખાણથી આપવામાં આવ્યું હતું. આ લેખમાં ક્યાંય દલવાડી ધનજી નાથાનું નામ સરનામું નથી.
આ જગ્યા તારીખ 20-04-1959 ના રોજ ધનજી નાથા દલવાડી પાસેથી રૂ. 7 અને 8 આનાના સ્ટેમ્પ પેપર ઉપરથી વેચાણ દસ્તાવેજથી લેવામાં આવી હતી. જેના વકીલ તરીકે અમૃતલાલ બી. વ્યાસ લખવામાં આવ્યું હતું. આ વકીલ અહીં કોઈ થઈ ગયા હોય તેવું ફરિયાદીને ધ્યાનમાં નથી.
જામનગર સબ રજીસ્ટ્રાર કચેરી ખાતેથી ઉપરોક્ત વિવિધ બાબતોની માહિતી તેમજ નકલો ફરિયાદી દ્વારા મેળવવામાં આવી છે. ખંભાળિયાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં પણ આ અંગેનો અસલ દસ્તાવેજ નથી. જે તમામ બાબત શંકા ઉપજાવે તેવી છે.
તારીખ 17-12-2005 ના રોજ ખંભાળિયા સિટી સર્વે સુપ્રિન્ટેન્ટના હુકમમાં અગાઉના તા. 17-04-1971 નો ઠરાવ નિર્ણય કાયમી રાખવામાં આવતા આ નિર્ણયથી નારાજ હોય જિલ્લા કલેકટર સમક્ષ રિવિઝન અરજી કરવાના બદલે હનીફ સુલેમાન ખફી દ્વારા જે-તે સમયે સીટી સર્વેના અધિકારીઓ-કર્મચારીઓ સાથે મેળાપીપણું રચીને અગાઉ 2005 માં થયેલા હુકમના આધારે કેસ રી-ઓપન કરાવી તારીખ 15-02-2019 ના રોજ કાસમ મેરુ ખફીનું નામ દાખલ કરવામાં આવ્યું હતું.
આમ, નવાનગર જામ સાહેબના સ્ટેટનો લેખ બનાવી અને 1959માં કાસમ મેરુને વેચાણનો ખોટો દસ્તાવેજ કરી, તેનો ખરા તરીકે ઉપયોગ કરીને સીટી સર્વેમાં સેટીંગથી ચડાવી, આ જમીન વર્ષ 2021 માં હુસેન આબુ ભોકલને વેચાણ દસ્તાવેજથી આપવામાં આવી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.
આરોપીઓ દ્વારા પૂર્વાયોજિત કાવતરું રચીને અધિકારીઓ-કર્મચારીઓ સાથે સેટિંગ કરીને સરકારની માલિકીના ખોટા કીમતી દસ્તાવેજ તૈયાર કરીને 50 વર્ષથી મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓના રસ્તામાં આડસ ઉભી કરી, જમીન પચાવી પાડવાની પેરવી થયાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે તમામ પાંચ આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 420, 120 (બી), 465, 467, 468, 471 તથા 474 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોપી હનીફ સુલેમાન ખફી, ગફાર સુલેમાન ખફી અને અબ્બાસ ઉમર ખફીની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ ખતીજાબેન કાસમભાઈ અને ગુલમામદ સુલેમાન મૃત્યુ પામ્યા છે.
આ પ્રકરણમાં અહીંની સિટી સર્વે કચેરીના અધિકારીઓ – કર્મચારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે.
- Advertisement -