જામનગરની સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં સામે આવેલ પરીક્ષા ચોરી કૌભાંડમાં કોલેજની માન્યતા રદ્ કરવા તથા કુલપતિના રાજીનામા સહિતની માગણીઓને લઇ એનએસયુઆઇ જામનગર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન સ્વામિનારાયણ ગુરુકુળના ટ્રસ્ટી પોતે જ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ છે અને તે જ કોલેજમાં પેપર ચોરી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષા રૂમથી અલગ રૂમમાં બેસી ચોરી કરી રહ્યાં છે. સરકારી ભરતીના પેપરો હોય કે, યુનિવર્સિટીના પેપર હોય. વારંવાર પરીક્ષામાં ગેરરીતિની ઘટનાઓ સામે આવે છે. જેના પરિણામે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે. આથી આ પરીક્ષામાં પેપરમાં ચોરીની ઘટના અંગે યોગ્ય તપાસ કરવા, સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજની માન્યતા રદ્ કરવા, યુનિવર્સિટીના કુલપતિ કોલેજના ટ્રસ્ટી હોવાથી કુલપતિપદેથી રાજીનામુ આપે તથા આ કેસમાં સંકળાયેલા તમામ દોષિતોને સજા આપવાની માગ સાથે એનએસયુઆઇ જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, જિલ્લા પ્રમુખ સન્નીભાઇ આચાર્ય, ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ તથા યુવક કોંગ્રેસ જામનગર ઉત્તર વિધાનસભાના મંત્રી શક્તિસિંહ જેઠવા દ્વારા માગણી કરવામાં આવી છે. આ અંગે યોગ્ય કાર્યવાહી નહી થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.