- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા ક્લાસ વન અધિકારીને ત્રકાર તથા અજાણ્યા શખ્સ મળી કુલ ત્રણ શખ્સોએ કામગીરીમાં અડચણ કરી, ફરજમાં રૂકાવટ કરવા બદલ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે આવેલી ખનીજ ખાતા કચેરીમાં ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા અને મૂળ કચ્છ જિલ્લાના રાપર ખાતે રહેતા જી.એચ. અરેઠીયા સમક્ષ જિલ્લાના સખપર ગામની સીમમાં આવેલી અરવિંદ સ્ટોન ક્રશર નામની એક પેઢી વિરુદ્ધ મળેલી અરજી સંદર્ભે ઉપરોક્ત અધિકારી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગેની માહિતી ખંભાળિયામાં રહેતા હનીફ સુમરા તથા મુસ્તફા ડી. સુમરા દ્વારા માંગવામાં આવતી હતી.
ખનીજ અધિકારીની કચેરીમાં સમાચાર ટુડેના લેટરપેડ ઉપર માંગવામાં આવેલી માહિતી સંદર્ભે જે- તે સમયે ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ગત 23 ડિસેમ્બરના રોજ જિલ્લા સેવા સદન સ્થિત ખાણ ખનીજ વિભાગની કચેરી ખાતે બપોરના સમયે આવેલા એક ન્યુઝ ચેનલના હનીફ સુમરા તથા મુસ્તફા સુમરા સાથે આવેલા અજાણ્યા શખ્સ મળી, ત્રણેય શખ્સોએ અરવિંદ સ્ટોન ક્રશર વિરુદ્ધની કાર્યવાહી સંદર્ભેનો ઈન્ટરવ્યૂ આપવાનું જણાવતા કામની વ્યસ્તતામાં વહેલા અધિકારી અરેઠીયાએ ત્રણેય શખ્સોને જણાવેલ કે હાલ તેઓ ગુજરાત હાઇકોર્ટ સંબંધી કામકાજમાં રોકાયા છે અને ઉપરોક્ત તપાસમાં કંઇ વાંધાજનક જણાયું નથી. તેવી મૌખિક વાત છતાં પણ ઈન્ટરવ્યુ આપવાનું દબાણ કરવામાં આવતું હતું.
આ દરમિયાન ઉપરોક્ત શખ્સોએ કેમેરા- મોબાઈલ વડે રેકોર્ડિંગ કરવા લાગતાં અઘિકારી દ્વારા તેઓને આમ કરવાની ના કહી હતી. પરંતુ તેઓએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી, કલેક્ટર કચેરી સુઘી પાછળ પાછળ જઈ, સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવામાં ઈરાદે, અઘિકારી તથા કચેરીની છબી ખરડાય તેવા મનાતા આ કૃત્ય દ્વારા ફરજમાં રૂકાવટ કરવામાં આવ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 186, 504 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
- Advertisement -