દ્વારકાના પોસીત્રા ગામમાં રહેતાં રબારી પ્રૌઢની માલિકીના બે ઘેટાની ચોરી કરી મારી નાખ્યાના બનાવમાં ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી અને એકની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ ઓખાના પોશીત્રા ગામે રહેતા વેરસલભાઈ પાલાભાઈ નાંગેશ નામના 59 વર્ષના રબારી આધેડની માલિકીના બે ઘેટાને ચોરી કરી અને બાજુમાં આવેલી બાવળની જાળીમાં લઈ જઈ અને મારી નાખવા સબબ આ જ વિસ્તારમાં રહેતા સુનિલભા કારૂભા, સાજણભા લખમણભા અને નાગશીભા કારૂભા નામના ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે સંદર્ભે ઓખા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 379, 511, 429 તથા 114 મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં સાજણભા તથા નાંગશીભા ઝડપાઈ ગયા હતા જ્યારે સુનિલભા ત્યાંથી નાસી છૂટયો હોવાનું વધુમાં જાહેર થયું છે.


