દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડતા શખ્સો સામે ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાં ગઈકાલે શુક્રવારે કલ્યાણપુર તાલુકામાં એક નિવૃત્ત વૃદ્ધ દ્વારા તેમની કિંમતી જમીન પચાવી પાડવા સબબ ત્રણ ભાગીયાઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવાઈ છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના જોધપુર ઉપાધ્યાય ગામે રહેતા સાજણભાઈ ચોથાભાઈ લાંબરીયા નામના 71 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ દ્વારા થોડા સમય પહેલા તેમની ટંકારીયા ગામે આવેલી જુના રેવન્યુ સર્વે નંબર 46 પૈકી 4 તથા નવા સર્વે નંબર 310 વાળી ખેતીની 1.95 હેક્ટર જમીન ટંકારિયા ગામના પરબત લાખા ભાટુ, દેવાયત ઉર્ફે રમેશ લાખા ભાટુ, અને પીઠા ઉર્ફે બાબુ લાખા ભાટુ નામના શખ્સોને ભાગીયા તરીકે વાવવા તથા ખેડવા આપી હતી.
પરંતુ સમય જતા ઉપરોક્ત શખ્સોએ ફરિયાદી વૃદ્ધની સરકારી જંત્રી પ્રમાણે 2,53,981/- તથા બજાર પ્રમાણે 37,50,000/-ની કિંમતી એવી આ જમીન ઉપર બિનઅધિકૃત રીતે કબજો કરી લીધો હતો. આથી સાજણભાઈ દ્વારા આ અંગે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. જે દાવો આરોપીઓ હારી ગયા હતા. તેમ છતાં પણ તેઓએ કબજો ખાલી કર્યો ન હતો અને આ કિંમતી જમીન પચાવી પાડી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે સાજણભાઈ લાંબરીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 506, 114 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે.