આશરે 3 દાયકા બાદ IPS અધિકારી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામેની વર્ષ 1990ના એક કેસની ફરિયાદ પાછી ખેંચાશે. ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તે IPS અધિકારી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામેની ઓક્ટોબર 1990ની કસ્ટડીયલ ટોર્ચરના કેસને લગતી ફોજદારી ફરિયાદ પાછી ખેંચવા ઈચ્છે છે. આશરે એકાદ સપ્તાહથી ફરિયાદ રદ્દ કરવાને લગતી અરજીની સુનાવણી કરી રહેલા જસ્ટિસ નિખિલ કારિયેલે ફરિયાદી મહેશ ચિત્રોડાને તેમના વકીલ મારફતે આ મામલે સોગંદનામુ દાખલ કરવા જણાવ્યું હતું. સાથે જ 31મી માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ કહ્યું હતું. કેસની વિગતો પ્રમાણે અયોધ્યા મંદિર મુદ્દે ભાજપના નેતા એલ.કે. અડવાણીએ યોજેલી રથયાત્રાને અટકાવવામાં આવતા વિરોધનો વંટોળ ફેલાયો હતો અને 1990માં જામજોધપુર ખાતે તોફાનો ફાટી નીકળ્યા હતા. તે સમયે સંજીવ ભટ્ટ જામનગરમાં એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા. 30 ઓક્ટોબર,1990ના રોજ પોલીસે પ્રભુદાસ વૈષ્ણાની અને 3 ફરિયાદી સહિત 134 આરોપીઓની ધરપકડ કરી હતી. વૈષ્ણાનીને ખેંચ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મોત નિપજ્યું હતું. પ્રભુદાસના પરિવારજનોએ પોલીસ અત્યાચારના કારણે મોત થયું હોવાનો આરોપ મુક્યો હતો. આ મામલે જામનગર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ભટકારી હતી.