Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા તાલુકાના સલાયા ગામે ત્રણ કરોડની કિંમતી જમીન પચાવી પાડવા સબબ સાત...

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ત્રણ કરોડની કિંમતી જમીન પચાવી પાડવા સબબ સાત સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી આશરે ત્રણ કરોડ જેટલી બજાર કિંમત ધરાવતી જગ્યાને અગાઉના માલિકના કુટુંબી શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવા સબબ સાત આસામીઓ સામે વિધિવત રીતે ફરીયાદ નોંધવામાં આવી છે. જે સંદર્ભે સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા વર્તમાન સદસ્ય અને માછીમાર સહકારી મંડળીના પ્રમુખ સાલેમામદ કરીમભાઈ ભગાડ (ઉ.વ. 63, રહે. ખ્વાજા નગર, જકાત નાકાની બાજુમા, સલાયા) દ્વારા સલાયાના ઓસમાણ હાજી ઘાવડા, સુલેમાન હાજી, ખંભાળિયામાં રહેતા ઈશા હાજી, અબ્દુલ હાજી, કરીમ હાજી, ઈસ્માઈલ હાજી અને રજાક હાજી નામના સાત શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવ્યો છે.
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ સલાયાના પરોડીયા રોડ પર આવેલી જુના રેવન્યુ સર્વે નંબર 126/1 એક તથા નવા સર્વે નંબર 148 ની આશરે 20 વિઘા જેટલી જમીન કે જે વર્ષો અગાઉ સંધી હજી ઉમર નામે ચાલતી હતી. ત્યાર બાદ 1999માં નોંધ મારફતે 14 વારસદારોના નામ આ જમીનમાંથી કમી થઈ ગયા હતા. વર્ષ 2008ના રેવન્યુ રેકોર્ડ પર કાયદાકીય કાર્યવાહી પછી આ જમીન ઇબ્રાહિમ સુમાર ગજણ તથા સારબાઈ સુમાર ગજણના નામે ચાલતી હતી.

વર્ષ 2009માં વેચાણ દસ્તાવેજ મારફતે જંત્રી મુજબ ત્રણ લાખનો અવેજ ચૂકવીને આ જમીન ફરિયાદી સાલેમામદ કરીમ ભગાડ તથા તેમની સાથે રોશનબેન કાસમ ભોકલ અને અબુ કાસમભાઈ ભોકલ નામના ત્રણ આસામીઓ દ્વારા ખરીદ કરવામાં આવી હતી. જેની સરકારી ચોપડે પણ કાયદેસરની નોંધ કરાવવામાં આવી હતી.

- Advertisement -

આ જગ્યામાં કૂવો ન હોવાથી તેમજ આ જમીન ભવિષ્યમાં તેઓ બિન ખેતી કરી અને ડેવલપ કરવાના હેતુથી લીધી હોવાથી તેમના દ્વારા ફક્ત ચોમાસામાં જ જુવારનું વાવેતર કરવામાં આવતું હતું. અગાઉ ચોક્કસ મંડળીમાંથી પાકધીરણ તેમજ હાલ પણ એક્સિસ બેન્કમાંથી પાક ધિરાણ મેળવી અને ફક્ત ચોમાસામાં આ જમીન પર વાવેતર કરવામાં આવતું હતું. અન્ય સમયગાળામાં આ જગ્યા બાળકો રમત ગમતના મેદાન તરીકે ઉપયોગ કરતા હતા.

આશરે ત્રણ વર્ષ પહેલાં આ સ્થળેથી પસાર થતા જમીનમાલિકોને અહીં ખાતરના ઢગલા તથા કચરાના ઢગલા પડયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તપાસ કરતા આ જમીન પર ઉપરોક્ત સાત આસામીઓ કે જે અગાઉના જમીન માલિકના કુટુંબી હતા, તેમના દ્વારા અનઅધિકૃત રીતે દબાણ કરી, ખેતરમાં ઢગલા કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે તારીખ 22/02/2020 ના રોજ સલાયા મરીન પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હતી. આટલું જ નહીં ફરિયાદી સાલેમામદભાઈ તથા તેમના ભત્રીજા સાથે કાસમભાઈ ભોકલ વિગેરે સમજાવવા જતા ઉપરોક્ત આસામીઓએ આ જગ્યા ખાલી કરવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. આટલું જ નહીં- “આ જગ્યા અમારા બાપદાદાની છે. કોર્ટમાં કેસ અને હતી ગયા. તેમ છતાં પણ તેઓ કબજો નહીં છોડે અને કોઈ ને પણ પ્રવેશ કરવા નહીં દયે”- તેમ કહી, ધાક ધમકી આપી હતી.

- Advertisement -

આમ, માલિકીની જમીનમાં મંજૂરી વગર પ્રવેશ કરી, મૂળ માલિકને પ્રવેશ કરવા ન દેવા તથા ખેડાણ કરવા નહીં દેતાં સાલેમામદ કરીમ ભગાડની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસ મથકમાં ઉપરોક્ત સાત શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉની ફરિયાદ અરજીમાં કુલ નવ દબાણકારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તે પૈકીના અલી હાજી અને સિદ્દીક હાજી નામના બે આસામીઓ મૃત્યુ પામતા સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. જે સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા રાયટર શક્તિસિંહ જાડેજા દ્વારા ધોરણસર કાર્યવાહી કરી, આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular