ખંભાળિયામાં રહેતી સાડા તેર વર્ષની એક સગીરાનું અપહરણ કરી, દુષ્કર્મ ગુજારવા સબબ કુવાડિયા ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે પોલીસે કડક કામગીરી કરી અને આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે કર્યો છે.
આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા નજીકના હર્ષદપુર વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની 13 વર્ષ 6 માસની ઉંમર ધરાવતી સગીર પુત્રીને ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના રહીશ એવા રવિ હમીરભાઈ ભરવાડ નામના 19 વર્ષનો યુવાન થોડા દિવસ પૂર્વે આ સગીરાને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા સગીરાની મરજી વિરૂદ્ધ બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પણ જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રવિ ભરવાડ સામે આઇ.પી.સી. કલમ 363, 366, 376 (2) એન. 506 (2) તથા પોક્સો એક્ટ સહિતની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, આરોપીની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.આઈ. વી.વી. વાગડિયા દ્વારા આરોપીને અદાલતમાં રજુ કરાતા નામદાર અદાલતે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
ખંભાળિયામાં રહેતી સગીરાના અપહરણ તથા દુષ્કર્મ સબબ કુવાડીયાના યુવાન સામે ફરિયાદ
આરોપીની ધરપકડ બાદ જેલહવાલે કરાયો