જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતી મહિલાએ આપઘાત કર્યાના બનાવમાં મૃતકની માતાની ફરિયાદના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી ગોકુલધામ સોસાયટી શેરી નં.1 મા રહેતી કિરણ રાઠોડ નામની મહિલાએ તેના એક વર્ષના લગ્નજીવન દરમિયાન જિંદગીથી કંટાળીને આપઘાત કર્યો હતો. આ પ્રકરણમાં મૃતકના માતા નર્મદાબેન હેમત મંગવાનીયા નામના પ્રૌઢાએ તેની પુત્રીના પતિ નવઘણ કારા રાઠોડ, સાસુ મંજુબેન કારા રાઠોડ, જેઠ રાજુ કારા રાઠોડ અને જેઠાણી ભાવના રાજુ રાઠોડ નામના ચાર શખ્સોએ કિરણને તેણીના જેઠના છોકરાને સાથે રાખવા બાબતે અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હતાં. સાસરિયાઓ તરફથી અપાતા અવાર-નવાર ત્રાસથી કંટાળીને કિરણે જિંદગી ટૂંકાવી હતી અને સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસથી મજબુર થઈ કિરણે આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે મૃતકના પતિ સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.