ખંભાળિયા તાલુકાના સલાયા ગામે કસ્ટમ ઓફીસ સામે રહેતો હનીફ હાજી જુમાભાઈ કેર નામનો 28 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે મેઈન બજાર વિસ્તારમાંથી જઈ રહ્યો હતો, ત્યારે તેને માર્ગમાં અટકાવી, સલાયાના રહીશ ઈશા આદમ મોગલ તથા તેમના ત્રણ પુત્રો અબ્બાસ ઈશા, ઇન્દ્રિશ ઈશા અને અને અલી ઈશા નામના ચાર શખ્સોએ ફરિયાદી હનીફભાઈને બિભત્સ ગાળો કાઢી, લોખંડની હથોડી તથા ધાતુની મૂઠ વડે માર મારવામાં આવતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ફરિયાદી હનીફભાઈ કેરનો એક મિત્ર થોડા સમય પૂર્વે દુબઈ ગયો હોય, અને હનીફને તેના ઘરનું ધ્યાન રાખવાનું કહી ગયા હોય, બાદમાં મિત્રની પત્નીને આરોપી ઇન્દ્રિસ સાથે હસવા-બોલવાનો સંબંધ હોવા અંગેની જાણ હનીફે તેના મિત્રને ફોન પર કરતા આ બાબતનું મનદુ:ખ રાખી અને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.