ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા એક આસામીની ખેતીની જમીન છેલ્લા આશરે બે વર્ષથી પચાવી પાડવા સબબ આ યુવાનના બે કુટુંબીક કાકાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હમીરભાઈ રણમલભાઈ ગોજીયા નામના 39 વર્ષના યુવાનની ભાડથર ગામની સીમમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 497 પૈકીની 35 ગુંઠા જેટલી જમીન પર છેલ્લા આશરે બે વર્ષના સમયગાળાથી તેમના કાકા આ જ ગામના દેવરખીભાઈ કરણાભાઈ ગોજીયા તથા રણમલ કરણાભાઈ ગોજીયા નામના બે ભાઈઓ દ્વારા જમીનમાં કૂવો ખોદી તથા મગફળીનું વાવેતર કરીને આ જગ્યા પર કબજો જમાવી રાખવામાં આવ્યો હતો.
આમ, સરકારી જંત્રી પ્રમાણે કુલ રૂપિયા 1.40 લાખની કિંમત ધરાવતી 35 ગૂંઠા જેટલી જમીન છેલ્લા આશરે બે વર્ષથી પચાવી પાડવા સબબ હમીરભાઈ ગોજીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે તેમના બંને કાકાઓ દેવરખી અને રણમલ ગોજીયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી નિલમબેન ગોસ્વામી દ્વારા હાથ ધરવામાં આવી છે.