જામનગર મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી મિલકત વેરા શાખા દ્વારા સોમવારથી બાકી રહેતાં મિલકત વેરાની વસૂલાત માટે કામગીરી દરમ્યાન દરેડ જીઆઇડીસી ફેઇસ 2 અને 3 વિસ્તારમાં બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. જેમાં 6 આસામીઓએ સ્થળ પર જ વેરો ભરી દીધો હતો. જ્યારે પાંચ આસામીઓની મિલકત સીલ કરવામાં આવી હતી. એક આસામી દ્વારા મહાનગરપાલિકાના અધિકારી સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરી ધક્કો મારી ફરજમાં રૂકાવટ કરાઇ હતી.
View this post on Instagram
આ અંગેની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકા અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. વચ્ચે વર્ષ 2023માં એમઓયુ થયું હતું. તેમાં ઉદ્યોગકારો દ્વારા ટેક્સની રકમ મહાપાલિકાને ચૂકવવામાં આવશે જે પૈકીની 25 ટકા રકમ મહાપાલિકા રાખશે જ્યારે બાકીની 75 ટકા રકમમાંથી ઉદ્યોગનગર વિસ્તારમાં વિકાસકાર્યો માટે ખર્ચ કરશે. આ એમઓયુનો મોટાભાગના ઉદ્યોગકારોએ સ્વિકાર કર્યો હતો. પરંતુ 400 જેટલા ઉદ્યોગકારો દ્વારા આ મામલે જામનગરની અદાલત અને ત્યારબાદ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. ઉદ્યોગકારોની આ પીટીશન હાઇકોર્ટએ ડીસમીસ કરી દેતા મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની વસૂલાત માટેનો રસ્તો ખુલ્લો થઇ ગયો હતો. ત્યારબાદ સોમવારે 400 જેટલા ઉદ્યોગકારો પાસે બાકી રહેતા રૂા. 40 કરોડનો મિલકતવેરો વસૂલવા માટેની કામગીરી મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીની સૂચનાથી આસિ. મ્યુનિ. કમિશનર (ટેક્સ) જીજ્ઞેશ નિર્મલ તથા સ્ટાફ દ્વારા ઉદ્યોગકારોને આખરી નોટીસ ફટકારી દીધા બાદ સોમવારે સવારે દરેડ જીઆઇડીસી ફેઇસ 2 અને 3માં બાકી રહેતા રૂપિયા 40 કરોડના મિલકતવેરાની વસૂલાત પોલીસ બંદોબસ્ત સાથે આરંભી હતી. આ વેરાની વસૂલાત દરમ્યાન 6 જેટલા આસામીઓએ બાકી નીકળતા મિલકતવેરાની રકમ સ્થળ પર ભરપાઇ કર્યા હતા. આ પૈકીના ત્રણ આસામીઓએ રૂા. 58 લાખની બાકી રહેતી મિલકતવેરાની રકમ સ્થળ પર જ ચૂકવી દીધી હતી.
મહાનગરપાલિકાની વેરા વસૂલાતની કામગીરી દરમ્યાન અધિકારી જીજ્ઞેશ નિર્મલ સહિતનો સ્ટાફ જીઆઇડીસી ફેઇસ 2માં આવેલા પ્લોટ નંબર 3420 અને 3421માં ઓરેન્જ ઇન્ડિયા બ્રાસ મેટલ વર્ક પ્રા. લિ. પેઢીના મિલકતવેરાના બાકી નીકળતા રૂા. 6,93,919ની રકમ વસૂલાત માટે ગયા હતા. ત્યારે આ વેરા વસૂલાતની ભરપાઇ કરવાને બદલે મિલકતધારક મિતેષ ત્રિભોવન ભાલોડિયા નામના કારખાનેદાર શખ્સ દ્વારા મહાપાલિકાના અધિકારી જીજ્ઞેશ નિર્મલ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરી ધકકો મારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ બાદ મહાપાલિકાના અધિકારી જીજ્ઞેશભાઇ નિર્મલ દ્વારા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિલકતધારક મિતેષભાઇ ભાલોડિયા સામે ફરજમાં રૂકાવટ અને ઉદ્ધતાઇભર્યા વર્તનનો ગુનો નોંધી એએસઆઇ એમ. એમ. જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


