Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરનથુરામ ગોડસેની પ્રતિમા તોડફોડ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરૂધ્ધ ફરિયાદ

નથુરામ ગોડસેની પ્રતિમા તોડફોડ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરૂધ્ધ ફરિયાદ

સામાપક્ષે કોંગ્રેસ પ્રમુખ દ્વારા હિન્દુ સેનાના પાંચ વ્યકિતઓ વિરૂધ્ધ ફરિયાદ : પોલીસે બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી હાથ ધરી

- Advertisement -

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર દુધિયા હનુમાન નજીક નથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરાયા બાદ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ અને એક કોર્પોરેટર સહિત બે શખ્સોએ આ પ્રતિમા તોડીને શ્રી રામ લખેલું કપડુ કચરામાં ફેકી દઇ ધાર્મિક લાગણી દુભાઈ તેવા કૃત્યમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી જ્યારે સામા પક્ષે નથુરામ ગોડસેની પ્રતિમા કોઇની મંજુરી લીધા વિના બેસાડી દઇ લોકોનું અપમાન કરી દેશવાસીઓમાં વિખવાદ ઉભો થાય તેવા કૃત્યો માટે ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષની સામ-સામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર દુધિયા હનુમાન પાસે હિન્દુસેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ અને મંદિરના મહંતની ઉપસ્થિતિ વચ્ચે નથુરામ ગોડસેની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાની સ્થાપન કરાયા બાદ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજા તથા કોર્પોરેટર ધવલ નંદા નામના બે વ્યકિતઓ દ્વારા સોમવારે સવારના સમયે નથુરામ ગોડસેની પ્રતિમાને તોડી નાખવામાં આવી હતી તેમજ પ્રતિમા પર શ્રીરામ લખેલું કપડુ કચરામાં ફેંકી દઇ પાંચ હજારનું નુકસાન કરી અને ધાર્મિક લાગણી દુભાઇ તેવું કૃત્ય આચરનાર કોંગ્રેસ પ્રમુખ અને અને કોર્પોરેટર વિરૂધ્ધ પ્રતિક ભટ્ટે સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

દરમિયાન આ પ્રતિમામાં તોડફોડ કરનાર વિરેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજાએ પ્રતિક ભટ્ટ, ધિરેન નંદા અને ભાવેશ ઠુમ્મર તથા બે અજાણ્યા સહિતના પાંચ વ્યકિતઓએ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા કોઇપણ જાતની મંજૂરી લીધા વગર સ્થાપન કરી દેશવાસીઓને તથા અન્ય લોકો વચ્ચે વિખવાદ ઉભો થાય અને અપમાન થાય તેવું કૃત્ય કરી આચરનાર પાંચ શખસો વિરૂધ્ધ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે હિન્દુ સેના અને કોંગ્રેસ બન્નેની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, વિવાદિત પ્રતિમા અંગે અનેક તર્ક વિર્તકો થઈ રહ્યા છે પોલીસે આ મામલે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular