Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં નિર્માણાધીન વીજપોલને તોડી પાડવા વ્યાપક નુકશાની સબબ કોલવાના યુવાન...

ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં નિર્માણાધીન વીજપોલને તોડી પાડવા વ્યાપક નુકશાની સબબ કોલવાના યુવાન સામે ફરિયાદ

કંપનીને રૂ. 22 લાખની નુકશાની કર્યાનું પોલીસમાં જાહેર

- Advertisement -

ખંભાળિયા તાલુકામાં ચાલી રહેલા ખાનગી કંપનીના વીજપોલ ઉભા કરવાની કામગીરી અંતર્ગત અહીંના ભટ્ટગામ વિસ્તારમાં એક આસામી દ્વારા પોતાના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન અંગે વીજપોલના બોલને ખોલી નાખી, આ પોલ ધરાશાયી થતાં કંપનીને રૂપિયા બાવીસ લાખનું નુકશાન કરવા સબબ અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભટ્ટગામથી ભચાઉ (લાકડીયા) સુધી ખાનગી કંપની દ્વારા વીજ વાયર સાથે વીજપોલ ઊભા કરવાની કામગીરી હાલ કાર્યરત છે.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં વીજપોલ અંગેની આ કામગીરી ખંભાળિયા ટ્રાન્સકો લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં જુદા જુદા વિસ્તારોમાં કંપની દ્વારા 400 કિલોવોટ ડીસી લાઈનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ખંભાળિયાથી આશરે દસેક કિલોમીટર દૂર ભટ્ટગામ ગામ ખાતે આવેલી રેવન્યુ સર્વે નંબર 57 વાળી ખેતીની જમીન કે જે ખંભાળિયા તાલુકાના કોલવા ગામના રહીશ ચેતનભાઈ જેસાભાઈ કરંગિયાની માલિકીની હોવાનું જાહેર થયું છે. આ જમીન પર વીજ લાઈન પોલ નાખવા માટે ચેતનભાઈને ચૂકવવાપાત્ર વળતર કંપની દ્વારા આપવાની તૈયારી વચ્ચે ચેતનભાઈએ કોઈ કારણોસર આ વળતર લેવાનો ઈનકાર કર્યો હતો. 

ખેતરમાં વીજ પોલ અંગેના ટાવર ઉભા કરવા માટે કંપની પાસે યોગ્ય હુકમ હોવાનું જણાવી, તેમના દ્વારા ઉપરોક્ત જગ્યા પર સપ્તાહ પૂર્વે 12/1 નંબરનો વીજપોલ ઉભો કરવામાં આવ્યો હતો. બે દિવસ પૂર્વે કંપની અને કર્મચારીઓ દ્વારા કામગીરી પુર્ણ કરીને ચાલ્યા ગયા બાદ ગઈકાલે ગુરુવારે તેઓએ આ સ્થળે આવીને જોતા ચેતનભાઈ દ્વારા પોતાના ખેતરમાં આવેલા પોલના ચારેય પાયાના નટબોલ ખોલી નાખી આ વીજલાઈન પોલ ઉખેડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા ટ્રાન્સકો લિમિટેડ કંપનીના અહીંના અધિકારી હરેન્દ્રભાઈ બર્મેશ્વર પાંડે (રહે. મુળ યુ.પી., હાલ. રામનાથ સોસાયટી- ખંભાળિયા) દ્વારા ઉપરોક્ત આસામી સામે અહીંના પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આ વીજપોલ કે જેની ઉંચાઈ 49 મીટર અને વજન આશરે 15.4 મેટ્રિક ટન હતું, તેના પાયાના નટબોલ ખોલી નાખી  ખખડી જતા આ થાંભલાથી ગમે તે સમયે જાનહાનિ થવાની પૂરી સંભાવના સર્જાઈ હતી. આથી વીજ કંપનીને ઉપરોક્ત પોલમાં રૂપિયા બાવીસ લાખની નુકશાની થયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. અને આ વીજ લાઈન પોલ હાલ જમીનદોસ્ત બની ગયો હોવાનું પણ જાણવા મળેલ છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે કોલવા ગામના ચેતનભાઈ કરંગીયા સામે આઈ.પી.સી. કલમ 308 તથા ઈન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular