લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતાં યુવાનના કૌટુંબિક ભાભીએ પૈસાની માંગણી કરી બોલાચાલી બાદ પોલીસમાં ફોન કરી ફસાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસની ધરપકડના ભયથી આપઘાત કર્યાના બનાવમાં મૃતકના પિતા દ્વારા સોઢાણાના મહિલા વિરુધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રેલવે સ્ટેશન પાસે રહેતો નીતેશ ગોવિંદ સીંગરખીયા નામનો યુવાન પોરબંદર જિલ્લાના બગવદર તાલુકાના સોઢાણા ગામમાં રહેતાં તેના પિતા ગોવિંદભાઈને ખર્ચના પૈસા આપવા ગયો હતો તે દરમિયાન કૌટુંબિક ભાભી હંસાબેન રાજશી સિંગરખીયા એ એક વર્ષ પહેલાં નીતેશને આપેલા આઠ હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી અને અગાઉ પણ આ રૂપિયાની ઉઘરાણી કરી અને થોડા-થોડા પૈસા લીધા હતાં. તેમજ ચાર દિવસ પૂર્વે નીતેશ પાસે પૈસાની માંગણી કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થવાથી હંસાબેન પોલીસમાં ફોન કરી અને નિતેશને ફસાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ દ્વારા ધરપકડના ભયથી નીતેશ તેના ઘરે કાનાલુસ આવીને આપઘાત કર્યો હતો.
આ બનાવ બાદ મૃતક નિતેશના પિતા ગોવિંદભાઈ સીંગરખીયા દ્વારા હંસાબેન વિરૂધ્ધ માનસિક ત્રાસ આપી મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે મહિલા વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાનાલુસમાં યુવાનના આપઘાતના બનાવમાં મહિલા વિરૂધ્ધ ફરિયાદ
પૈસાની માંગણી કરી મરી જવા મજબુર કર્યો : મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ