જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કોવિડની કાર્યવાહી દરમિયાન દાખવવામાં આવતી બેદરકારી સંદર્ભે આસી. કમિશનરની ઓફિસમાં રજૂઆત કરવા ગયેલા મહિલા કોર્પોેરેટર વિરૂધ્ધ આસી. કમિશનરે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાના મુખ્ય ગેઈટ પાસે કોરોના મહામારીનું સંક્રમણ વધી જતાં મહાનગરપાલિકામાં જતાં શહેરીજનો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો હતો અને ત્યાં ગેઈટ બહાર કોવિડની કામગીરી કરતાં કર્મચારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હતી અને પોઝિટિવ આવેલા દર્દીઓને ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. તેમજ આ સ્થળે મંડપની વ્યવસ્થા પણ સરખી ન હોવાથી જામનગરમાં વોર્ડ નં.4ના કોંગે્રસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આ ગંભીર બાબત મામલે આસી.મ્યુ. કમિશનર (વહીવટ) ડો. ભાર્ગવ ડાંગરની ઓફિસમાં પરવાનગી વગર ઘુસી જઈ માસ્ક પહેર્યા વગર અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને કર્મચારીઓની બેદરકારી મામલે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. આ રજૂઆત દરમિયાન મામલો વધુ ઉગ્ર બની ગયો હતો.
આ સમગ્ર બનાવમાં આખરે આસીસ્ટન્ટ કમિશનર ડો. ભાર્ગવ ડાંગર દ્વારા જાગૃત્ત અને પ્રજાના પ્રશ્ર્નો માટે હંમેશા અવાજ ઉઠાવતા મહિલા કોર્પોરેટર રચનાબેન વિરૂધ્ધ મંજૂરી વગર ઓફિસમાં ઘૂસી જઈ ફરજમાં રૂકાવટ અને જાહેરનામાનો ભંગની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.